નેપાળના વિશ્વ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી 10 કિલો સોનું ગાયબ, જાણો સમગ્ર ઘટના
નેપાળના કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિરમાંથી 10 કિલો સોનું ગુમ થઈ ગયું છે. આ ઘટનાના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. તપાસ માટે રવિવારે બપોરથી મંદિર સંકુલ બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે પશુપતિનાથ મંદિરમાં 100 કિલોગ્રામના ઘરેણામાંથી 10 કિલો સોનું ગાયબ થઈ ગયું છે. જે અંગેનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ તપાસ માટે પશુપતિનાથ મંદિર પરિસરને પોતાના કબજા હેઠળ લઈ લીધું છે. જેના કારણે રવિવારે મંદિરને ભક્તો માટે બંધ રાખવું પડ્યું હતું.
જણાવી દઈએ કે CIAA ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવા માટે નેપાળ સરકારની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા છે. પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ દાવો કર્યો હતો કે તેણે જલહરી બનાવવા માટે 103 કિલો સોનું ખરીદ્યું હતું, પરંતુ જ્વેલરીમાંથી 10 કિલો સોનું ગાયબ હતું. પશુપતિ ક્ષેત્ર વિકાસ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઘનશ્યામ ખાટીવાડાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા સોનાને લઈને પ્રશ્નો ઉભા થયા બાદ તેની ગુણવત્તા અને વજન નક્કી કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ પશુપતિનાથ મંદિરના સોનાના પ્લેટેડ વોટર ટેબલનો કબજો લઈ લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ પ્રક્રિયા માટે પશુપતિનાથ મંદિરમાં નેપાળ આર્મીના જવાનો સહિત અનેક સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે 3.30 વાગ્યાથી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ હતો અને મંદિર અડધી રાત સુધી બંધ રહ્યું હતું. પશુપતિનાથ મંદિર પ્રશાસનનું કહેવું છે કે 10 કિલો સોનું ચોરાઈ ગયું છે. કેસની તપાસ ચાલી રહી છે. જે પણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. અમને તપાસમાં પૂરો વિશ્વાસ છે. મંદિરમાં ચોરી કરનાર ભાગી શકશે નહિ.