ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ: માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામેનો વિરોધ વકરતો જાય છે. ધાનેરા તાલુકાને વાવ- થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે આજે ધાનેરાવાસીઓએ પાંચ હજારથી વધુ વાંધા અરજીઓ જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન માં ધાનેરા તાલુકાનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે. જેને લઈને ધાનેરા તાલુકામાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ધાનેરાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે 5000 થી વધુ વાંધા અરજીઓ લઈ ધાનેરા ના અગ્રણીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેકટર સમક્ષ વાંધા અરજીઓ રજૂ કરી ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરાઈ હતી. ગ્રામ પંચાયતના લેટરપેડ પર અને સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા વાંધા અરજીઓ કરાઈ હોવાનું એડવોકેટ દિપક ગલચરએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે કોઈ વાંધો નથી. પરંતુ સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે ધાનેરા તાલુકો બનાસકાંઠા સાથે જોડાયેલો હોઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ બુલંદ બની છે. ત્યારે સરકાર ધાનેરાવાસીઓની લાગણી સમજે તેવી માંગ ભાવેશ ભડથીયાએ કરી હતી. જોકે, માંગણી નહિ સંતોષાય તો ધાનેરાવાસીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.