જન્મ પ્રમાણપત્રના હુકમ માટે રૂ. 7,000 ની લાંચ ની માગણી કરી હતી
વારાહી મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા ડેટા એન્ટ્રી ઓપરેટર મહેશ કુમાર ઉર્ફે મુકેશભાઈ દલાભાઈ પરમારને 7,000 રૂપિયાની લાંચ લેતા પાટણ એસીબીએ ટ્રેપમાં ઝડપી લીધા છે. આ લાંચ ફરિયાદીના ભત્રીજાના ખોવાયેલા જન્મના પ્રમાણપત્ર માટે જરૂરી મામલતદારનો હુકમ કરી આપવાના અવેજમાં માંગવામાં આવી હતી.
પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચારી તત્વો સામે કાર્યવાહી કરી છે. ફરિયાદીના ભત્રીજાનું જન્મનું પ્રમાણપત્ર ખોવાઈ ગયું હતું, જેને ફરીથી મેળવવા માટે મામલતદારનો હુકમ કરાવવો અનિવાર્ય હતો. આ કામ કરી આપવા માટે ડેટા એન્ટ્રી ઓપરેટર મહેશ કુમાર ઉર્ફે મુકેશભાઈ પરમારે ફરિયાદી પાસેથી 7,000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. અને વારાહી મામલતદાર કચેરીની બહાર આવેલી એક ચાની લારી પાસે જ્યારે મહેશ કુમાર પરમારે ફરિયાદી પાસેથી 7,000 રૂપિયાની લાંચ સ્વીકારી,ત્યારે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
એસીબીએ લાંચની રકમ રિકવર કરી આક્ષેપિત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી એસીબી પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ટ્રેપનું સુપરવિઝન એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને રાજકોટ એસીબીના ના.નિયામક બળદેવસિંહ સી.વાઘેલા દ્વારા કરાયું હતું.

