અંબાજી પંથકના ગરીબ ખેડૂતો સાથે ખાતર ખરીદીમાં ઉઘાડી લૂંટ

અંબાજી પંથકના ગરીબ ખેડૂતો સાથે ખાતર ખરીદીમાં ઉઘાડી લૂંટ

કડકડતી ઠંડીમાં લાંબી લાઈનોમાં ઉભેલા ખેડૂતો પાસેથી 50 રૂ.વધુ વસુલાયા હોવાનો આક્ષેપ

સરકાર દ્વારા સંચાલિત દુકાનોમાં જ ગેરરીતિ તો સામાન્ય ખેડૂતે ન્યાય માટે ક્યાં જવું ? : ખેડૂતો

બનાસકાંઠા જિલ્લામાં યુરીયા ખાતરની અછતની કાગારોળ વચ્ચે દાંતા તાલુકાના અંબાજી પંથકના ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે થતી ઉઘાડી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જે ભારે ચિંતા જનક બાબત છે. ખેતીની સીઝનમાં જ્યારે ખાતરની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે સરકારી દુકાનદારો જ ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. અને રૂ.300 ની કિંમતની યુરિયાની થેલીના ખેડૂતો પાસેથી 350 વસૂલવામાં આવ્યા હતા. ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી જાણકારી ન હોવાથી, તેઓએ ચુપચાપ વધારાના પૈસા ચૂકવ્યા હતા, જે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી કરે છે. એક તરફ ખાતર લાંબા સમય બાદ મળ્યું અને તે પણ નિયત ભાવ કરતા વધુ ભાવે.તેથી ખેડૂતોની હૈયાહોળી યથાવત જ રહી છે.

ગરીબ ખેડૂતોની ઉઘાડી લૂંટના મામલે મીડિયાએ તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી.જેમાં દુકાનદારને કડક સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે પકડાઈ જવાના ડરથી દુકાનદારે તરત જ ખેડૂતોને વધારાના 50 રૂપિયા પરત કરી દીધા હતા. આ બાબત સાબિત કરે છે કે દુકાનદાર જાણી જોઈને છેતરપીંડી કરે છે. સૌથી વધુ દુઃખની વાત એ છે કે આ ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઈનો લગાવીને ઉભા રહે છે. મહિનાઓ સુધી ખાતરની રાહ જોયા બાદ જ્યારે ખાતર મળે, ત્યારે પણ જો તેમને લૂંટવામાં આવે તો તે અત્યંત ગંભીર બાબત ગણી શકાય,સરકાર દ્વારા સંચાલિત દુકાનોમાં જ જો આવી ગેરરીતિ થતી હોય, તો સામાન્ય ખેડૂતે ન્યાય માટે ક્યાં જવું ? ત્યારે આવા બેફામ બનેલા દુકાનદારો સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરી તેમના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ખેડૂત સાથે આવી છેતરપિંડી ન થાય.તેવો બળાપો ખેડૂતોએ ઠાલવ્યો હતો.કારણ જો આ મામલે મીડિયાએ દખલ ન કરી હોત, તો હજારો ગરીબ ખેડૂતોના પરસેવાની કમાણી આ ભ્રષ્ટ તત્વોના ખિસ્સામાં ગઈ હોત.

જિલ્લાભરમાં ખાતરનો કકળાટ યથાવત

શિયાળુ સીઝનમાં ખેતી પાકો માટે યુરીયા ખાતર અતિ જરૂરી હોય છે પણ કેટલાક લેભાગુ વિક્રેતાઓ ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવે છે. તંત્ર પૂરતા ખાતરનો જથ્થો હોવાનો દાવો કરે છે. પણ કેટલાક ખાતર વિક્રેતાઓ ખાતર બારોબાર મળતીયાઓને પધરાવી દે છે.એટલું જ નહીં, ખેડૂતો પાસેથી ભાવ પણ વધુ વસુલાતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે. તેથી જિલ્લામાં ખાતરનો કકળાટ હજી પણ યથાવત રહેવા પામ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *