નેશનલ કક્ષાએ બોક્સિંગમાં પાલનપુરના કિશોરે મેળવ્યો ગોલ્ડ મેડલ
હવે ઇન્ટરનેશનલ કક્ષાએ નેપાળ રમવા જશે; પાલનપુરના કિશોરે ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે ઇન્ડિયન ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપ -2025 માં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાતમાંથી એક માત્ર પાલનપુરના કિશોરે ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પાલનપુર સહિત બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ઇન્ડિયા ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ખાતે નેશનલ ચેમ્પિયનશીપ- 2025 યોજાઈ હતી. જેમાં બોક્સિગ માં ગુજરાતમાંથી એક માત્ર પાલનપુરના આકેસણ રોડ પર આવેલી દેવર્ષિ સોસાયટીમાં રહેતા 17 વર્ષના વિષ્ણુ ગણપત કુમાર પુરોહિતે ભાગ લીધો હતો. આ કિશોરે ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સામે ફાઈટ કરી હતી. જેમાં યુપી ના બોક્સર પિયુષ ચૌધરીને હરાવીને પ્રથમ પ્રયત્ને જ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આજના યુવાનો મોટા ભાગે મોબાઈલ નો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ વધુ કરતા હોય છે. સોશિયલ મીડિયા માં રીલ બનાવવા કે જોવામાં સમય બરબાદ કરવાને બદલે પાલનપુરના વિષ્ણુ પુરોહિતને મોબાઈલમાં રિલ્સ જોતા જોતા બોક્સિંગમા રુચિ જાગી હતી. બાદમાં તેણે જીમમાં જઈ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. અને પ્રથમ ટ્રાયલમાં જ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવ્યા બાદ હવે ઇન્ટરનેશનલ કક્ષાએ તે નેપાળ રમવા જશે.
પાલનપુરના ધારાસભ્યએ કર્યું સન્માન; ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી રમતો ગુજરાતમાં પ્રચલિત છે. પણ બોક્સિંગની બોલબાલા નથી. પંજાબ, હરિયાણા, મણિપુર જેવા રાજયોમાં બોક્સિંગ વધુ પ્રચલિત છે. ત્યારે ગુજરાતમાંથી એક માત્ર પાલનપુરના કિશોરે બોક્સિંગમાં પ્રથમ પ્રયત્ને ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પાલનપુર નું નામ રોશન કર્યું છે. ત્યારે પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર નગરપાલિકાના ભૂગર્ભ ગટર કમિટીના ચેરમેન કૌશલ જોશી સહિતના અગ્રણીઓએ ગોલ્ડ મેડલ વિજેતા વિષ્ણુ પુરોહિતના નિવાસ સ્થાને જઈ તેને સન્માનિત કરી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.