બનાસકાંઠા વન્યજીવ વિભાગ હેઠળની દાંતા પૂર્વ રેન્જના પીઠ ગામે તા. ૦૮ જૂન ૨૦૨૫ના રોજ સાંજે જગદિશભાઈ હીરાભાઈ ચુડલીયા (ઉ.વ. ૩૫) પોતાના ખેતરમાં સાફ સફાઈની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક રીંછના હુમલાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. રીંછે દાઢી, ગળા, પીઠ તથા માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટના બાદ આજુબાજુના લોકોના બુમાબુમથી રીંછ નજીકના જંગલ વિસ્તારમાં નાસી ગયું હતું.
ઘટનાની જાણ થતાની સાથે દાંતા વન વિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રથમ દાંતા આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારપછી વધુ સારવાર માટે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તત્કાલ સારવાર બાદ તેમનું આરોગ્ય સુધરતા આજરોજ તેમને રજા આપવામાં આવી હતી. વન વિભાગના કર્મીઓએ ઈજાગ્રસ્તને તેમના પરિવારજનો સાથે સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા.
આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સાથે સ્થાનિક વન વિભાગના કર્મીઓ દ્વારા સાંજના સમયે બનાવ સ્થળ આજુબાજુના વિસ્તારમાં સામુહિક ફેરણું કરવા અને કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે સારૂ તકેદારીના પગલા હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે આસપાસના ગામોમાં સાંજ અને રાત્રિના સમયે જંગલ વિસ્તાર નજીક એકલા ન જવાની, ખેતરમાં ટોર્ચ, લાકડી વગેરે સાથે લઈ જવા, શક્ય હોય તો ટોળકીમાં જવાની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના હલનચલનના સંભવિત વિસ્તારોમાં દુધ મંડળી તથા ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે નોટિસ બોર્ડ દ્વારા જાહેર માહિતી આપીને લોકોમાં જાગૃતિ ફેલાવાઈ છે. વન વિભાગ દ્વારા લોકોને જાગૃત રહેવા માટે અનુરોધ કરાયો છે જેથી માનવ અને વન્યપ્રાણી વચ્ચેના ટકરાવ અટકાવી શકાય. અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં આવેલ જેસોર અભ્યારણમાં રીંછ, દીપડો સહિતના વન્યજીવો વસવાટ કરે છે. તેનું સંપૂર્ણ ક્ષેત્ર દાંતા, અમીરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોને સ્પર્શે છે. તેથી આ વિસ્તારના ગ્રામજનોને વધુ સાવચેત રહેવા પરિક્ષેત્ર વન અધિકારી, દાંતા-પશ્ચિમ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.