મહેસાણા-અમદાવાદની જોડતા હાઈવેના સમારકામ સાથે હાઇવે રોડને મોટો અને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં મહેસાણા-અમદાવાદ હાઈવેની કથળી ગયેલી હાલત થઈ ચૂકી છે. જેના લીધે અવારનવાર નાના મોટા જીવલેણ અકસ્માતોના બનાવો બનતા હોય છે. જેમાં ગતરોજ વહેલી સવારે આઈશર, મારુતિ વાન અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે હાઈવે પર ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
ખખડધજ હાલતમાં આવી ગયેલા મહેસાણા-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે નંદાસણના ઉમાનગર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મારુતિ વાન ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ક્યારે મારુતિ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં એકના મોત સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં.ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાની નબળી કામગીરી તેમજ ટોલનાકા દ્વારા બામણો ટોલ વસુલ કરવા છતાં પણ હાઈવે રોડની આવી કથળી ગયેલી હાલત જોઈ સ્થાનિક લોકો સહિત હાઈવે પરથી પસાર થનારા વાહન ચાલકોએ ફિટકાર વરસાવ્યો હતો અને વારંવાર સર્જાતા ગમખ્વાર અકસ્માતો માટે પણ જવાબદાર ઠેરવ્યા છે.


