કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રતનપુરા પાસે આવેલા નેશનલ હાઈવે રોડના બ્રિજ ઉપર એક અજાણ્યા ટ્રેલર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઇક પાછળ બેઠેલા એક યુવકનું મોત થયું હતું અને બાઇક ચાલકને નાનીમોટી ઇજાઓ થતાં ૧૦૮ માં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવાન કાંકરેજ તાલુકાના ચેખલા ગામનો જગદીશજી સરતાનજી દૂધેચા (ઠાકોર) હોવાનું જાણવા મળ્યું છે.
જોકે મૃતકના માથા ઉપર ટ્રેલર નું ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને આ ઘટનાને પગલે સમગ્ર ચેખલા ગામ સહિત આજુબાજુ ના વિસ્તાર માં ભારે શોકની કાલિમા છવાઇ હતી અને મૃતકના પરિવાર જનો શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સુપ્રિટેન્ડ ડૉક્ટર પંકજ ગોહિલે ઇજાગ્રસ્ત યુવકની સારવાર કરી હતી અને મૃતકના પોસ્ટમોટમ અને પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર પડેલ ખાડાઓના કારણે આવા અકસ્માતો સર્જાતા નાના મોટા વાહન ચાલકો મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે નઘરોળ તંત્ર દ્વારા આવા ભયજનક ખાડાઓ પૂરવામાં આવશે કે પછી રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતા રહેશે તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો એક માનો લાડકવાયો ભોગ બનતા ભારે અરેરાટી ફેલાઈ છે.

