જંગલી જનાવર દેખાયું હોવાની વાતો વહેતી થતા લોકોમાં ભયનો માહોલ: ઊંઝાના જગન્નાથપુરા અને કામલી ગામની સીમ વચ્ચે જંગલી જનાવર શિયાળાની કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે રોડ રસ્તાઓ સુમસામ હોય છે. ત્યારે કેટલાક ડરામણા પ્રાણીઓ પણ કોઈક વાર જોવા મળતા હોય છે. ઊંઝા તાલુકાના જગન્નાથપુરા અને કામલી ગામ વચ્ચેની સીમમાં કોઈ જંગલી જનાવર દેખાયું હોવાની વાતો વહેતી થતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
માહિતી અનુસાર ઊંઝા તાલુકાના જગન્નાથપુરા અને કામલી ગામ વચ્ચેની સીમમાં જાહેર રસ્તા ઉપર થી પસાર થતા વાહનચાલકોને કોઈ જંગલી પ્રાણી દેખાયું હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં શરૂ થઈ હતી જેને લઈને લોકોમાં તેમજ ખેડૂતોમાં એક ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલને તેમજ મામલતદારને જાણ કરવામાં આવી હતી. જોકે તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલને જાણ થતા જ તેઓ સક્રિય બન્યા હતા અને વન વિભાગને તેમણે જાણ કરી હતી તો બીજી બાજુ મામલતદાર દ્વારા પણ આ બાબતે યોગ્ય તપાસનો આદેશ કરાયો હતો. જેને લઇને વન વિભાગના અધિકારીઓ મોડી રાત્રે ગામ માં પહોંચ્યા હતા અને જે લોકોએ આ જંગલી પ્રાણી જોયું હતું તેમને સાથે રાખીને સ્થળ પર રૂબરૂ તપાસ હાથ ધરી હતી.