રાહુલ ગાંધીએ ભારતીય ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારો અને મતદાન યાદીમાં અનિયમિતતાઓ મળી આવી છે. હવે આ અંગે ચૂંટણી પંચની પ્રતિક્રિયા આવી છે. મહારાષ્ટ્ર મતદાર યાદીમાં ગેરરીતિઓના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આ મામલે સંપૂર્ણ તથ્યો સાથે જવાબ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં શિવસેના સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલે સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા.
ચૂંટણી પંચનો જવાબ; ચૂંટણી પંચે કહ્યું કે તે મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા રાજ્યની કુલ વસ્તી કરતા વધુ હોવાના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સંપૂર્ણ તથ્યો સાથે લેખિતમાં જવાબ આપશે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપો લગાવ્યા પછી તરત જ, ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ભારતીય ચૂંટણી પંચ રાજકીય પક્ષોને પ્રાથમિકતા ધરાવતા હિસ્સેદારો માને છે, અલબત્ત મતદારો સર્વોપરી છે અને રાજકીય પક્ષો તરફથી આવતા મંતવ્યો, સૂચનો, પ્રશ્નોને ખૂબ મહત્વ આપે છે.
5 મહિનામાં 39 લાખ નવા મતદારો ઉમેરાયા – રાહુલ કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે સરકારી આંકડા મુજબ, મહારાષ્ટ્રની પુખ્ત વસ્તી 9.54 કરોડ છે, જ્યારે રાજ્યમાં 9.7 કરોડ મતદારો છે. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ વસ્તી કરતા વધુ મતદારો છે. ગાંધીએ આરોપ લગાવ્યો કે લોકસભા ચૂંટણી પછીના પાંચ મહિનામાં મહારાષ્ટ્રમાં 39 લાખ મતદારો ઉમેરાયા હતા, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 32 લાખ મતદારો ઉમેરાયા છે.