બંને વેપારીઓ પાસેથી રૂપિયા 17 લાખ ઉપરાંત નો તેલનો જથ્થો સીઝ કરાયો હતો: ડીસા શહેરમાં દિવાળી સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના બે મોટા વેપારીઓ પાસેથી લેવાયેલા ખાદ્ય તેલના નમુના ફેલ થતાં તે તેલ અખાત્ય હોવાનું સાબિત થયું છે. બંને વેપારીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તે સમયે ₹17,00,000 ઉપરાંતનો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ડીસામાં ઘી અને તેલ બનાવતા મોટા ભાગના વેપારીઓ અખાત્ય ચીજ વસ્તુઓ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે.
ડીસા શહેરમાં ઘી, તેલ, મરચું,હળદર, કોસ્મેટીક આઈટમો સહિતની ચીજ વસ્તુઓ મોટા પાયે ડુપ્લીકેટ અને ભેળસેળયુકત બનાવવામાં આવી રહી હોવાની ફરિયાદો વારંવાર ઊઠે છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘણી ફરિયાદો બાદ આ વખતે દિવાળી સમયે ડીસામાં અનેક તેલ બનાવતા એકમો તેમજ જથ્થાબંધ વેપારીઓ પાસેથી સેમ્પલ મેળવી ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા હતા.
જેમાં ડીસા જીઆઇડીસી માં શ્રીરામ સિનેમા ની સામે આવેલ વિપુલ જયંતીલાલ મહેસુરિયાની મેં.અમર ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મીલમાંથી લીધેલા શુભ અમૃત બ્રાન્ડના મગફળી અને સોયાબીન તેલના નમુના ભેળસેળ વાળા નીકળતા સેમ્પલ ફેલ થયા હતા. મેં અમર ઇન્ડસ્ટ્રીઝ માંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ રૂપિયા 6,44, 575 ની કિંમત નો 5855 કી.ગ્રા. તેલનો જથ્થો સીઝ કરેલો હતો.
આ ઉપરાંત દિશાના રિસાલા બજાર રોડ પર આવેલ ભાવિન વિપુલકુમાર પંચીવાલાની મે.શીયા માર્કેટિંગ નામની હોલસેલ પેઢીમાંથી સંયમ બ્રાન્ડનું પ્રીમિયમ ઘી અને ગાયનું ઘીના સેમ્પલ લેવાયા હતા જે તમામ ઘી અખાદ્ય હોવાથી તેના સેમ્પલો ફેલ થયા હતા. સિયા માર્કેટિંગ માંથી પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18660કી. ગ્રા.રૂપિયા 7,56,712 નો જથ્થો સીઝ કર્યો હતો. ડીસા ડુપ્લીકેટ ખાદ્ય ચીજોનું હબ બન્યું હોવાની ફરિયાદો આવા ભેળસેળ વાળા વેપારીઓના કારણે સાચી પડી રહી હોવાથી ભેળસેળ કરતાં તત્વોને માત્ર દંડ નહીં પરંતુ કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકોની માંગ છે.