રિજનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે પોષણ સંગમ કાર્યકમ અંતર્ગત (EGF+CMAM) ના અમલી કરણ માટેનો વર્કશોપ યોજાયો હતો. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સ્ટોલ બનાવી 10 પગલાંઓ નિદર્શિત કરવામાં આવેલ તેમજ દરેક પગલાં વિશે મુખ્ય સેવિકા દ્વારા વિસ્તૃત સમજ તેમજ આરોગ્ય વિભાગને લગત પગલાંઓની મેડિકલ ઓફિસર દ્વારા સમજ આપવામાં આવી હતી.જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોષણ સંગમ બાબતે પ્રેઝન્ટેશન દ્વારા પાટણ જિલ્લામાં ચાલી રહેલ કામગીરી, સક્સેસ સ્ટોરી, કુપોષણ નિવારવા આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી.
ત્યારબાદ સ્ટેટ મિશન ડાયરેક્ટર દ્વારા પોષણ સંગમ કાર્યક્રમના અસરકારક અમલીકરણ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો અને ખ્યાલો ને ચોકસાઈ તેમજ ઝીણવટ પૂર્વક સમજાવ્યા તેમજ ખાસ કરીને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા અને જવાબદારીથી કામગીરી કરવા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિશન ડાયરેકટર જિગીષા પંડ્યા,આઈ.સી.ડી.એસ.શાખા, પ્રોગ્રામ ઓફિસર શ્રીમાળી રંજનબેન, ઉર્મિલાબેન પટેલ, દિવ્યેશભાઈ ઉપરાંત અન્ય અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.