હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-જયપુર ટ્રેનમાં અસહ્ય ભીડને કારણે 15થી વધુ મુસાફરોએ તેમની ટિકિટ પરત કરવી પડી હતી. અસારવાથી જયપુર, ઉદેપુર અને ઇન્દોર જતી નિયમિત ટ્રેનો દરરોજ ચાલી રહી છે. રાત્રે 9:20 કલાકે હિંમતનગર પહોંચતી અસારવા-જયપુર ટ્રેનમાં માત્ર ચાર જનરલ કોચ છે. બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં જોડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કોચમાં મુસાફરો માત્ર બેસીને જ નહીં, પરંતુ ઊભા રહીને અને દરવાજામાં લટકીને પણ મુસાફરી કરી રહ્યા છે. જોકે, ભીડને કારણે મોટાભાગના મુસાફરો ટ્રેનમાં પ્રવેશી શક્યા નહીં. જે મુસાફરો ટ્રેનમાં ચડી શક્યા તેઓ જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટિકિટ ધરાવતા છતાં ટ્રેનમાં ન બેસી શકેલા મુસાફરોએ ટિકિટ પરત કરી અને બસ મારફતે રાજસ્થાન જવાનું પસંદ કર્યું. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવી જોઈએ અથવા વર્તમાન ટ્રેનમાં વધારાના જનરલ કોચ ઉમેરવા જોઈએ તેવી માંગ ઊઠી છે.