જીકાસ પોર્ટલ પર PGની એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે; કુલપતિ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. GCAS પોર્ટલ પર ચોઇસ ફિલિંગમાં યુનિવર્સિટીનું નામ દેખાતું નથી. જ્યારે ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને એમ.એસ. યુનિવર્સિટી વડોદરા સહિતની અન્ય યુનિવર્સિટીઓના નામ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
ચોઇસ ફિલિંગની પ્રક્રિયા 29 મે.થી શરૂ થઈ છે અને 4 જૂન સુધી ચાલશે. મૌખિક રીતે 15 જૂન પછી યુનિવર્સિટીનું નામ દેખાશે તેવું કહેવાય છે. જોકે, પોર્ટલ પર કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ જોવા ન મળતા અને આ પહેલા યુનિવર્સિટીની 200 થી વધુ કોલેજોની માન્યતા રદ થવાના સમાચારોએ વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે.
યુનિવર્સિટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓને લાભ આપવા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. ઉત્તર ગુજરાતના મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ હવે અન્ય રાજ્યની યુનિવર્સિટીઓમાં કે ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા મજબૂર બની શકે છે.
ત્યારે વિધાર્થીઓના હિતમાં શુક્રવારે પાટણ એનએસયુઆઈ એ કુલપતિને રૂબરૂ મળી સોમવાર સુધી પોર્ટલ ચાલુ નહીં થાય તો વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન આપવાની ચીમકી આપી હતી. આ સમગ્ર મામલે યુનિવર્સિટી કુલપતિ પ્રો.કે.સી. પોરીયાએ વિધાર્થી સંગઠન એન એસયુઆઈ ને જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલ પર PGની એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે.અને યુનિવર્સિટી પણ વિધાર્થીઓ ની મુશકેલી દુર કરવા હમેશા તત્પર હોવાનું તેઓએ જણાવ્યું હતું.