ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૨૪-કડી(અ.જા) વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટે ચૂંટણી જાહેર થતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનાં અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં વગાડવામાં અવતા લાઉડ સ્પીકરથી જાહેર જનતાને પહોંચતા ત્રાસ નુકસાનને અટકાવવા તેના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.કે.જેગોડા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.કે.જેગોડાએ મહેસાણા જિલ્લાના ૨૪-કડી વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તારમાં રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનિક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતું માટે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા માટે નિયમોનું પાલન કરવા હુકમ ફરમાવેલ છે.
નિયમોમાં જોવા જઈએ તો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીની અગાઉથી લેખિત પરવાનગી મેળવીને લાઉડ સ્પીકર સવારના 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધી જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય, અથવા નુકશાન ન થાય તેવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્ય શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તે ઉપરાંત લાઉડ સ્પીકર વગાડવા પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલો કે દવાખાના આવેલ હોય તો તે કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ દખલગીરી ન થાય તેવી રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાનું રહેશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તા.25/06/2025 ના 24 કલાક સુધીના સમય માટે અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ તેમજ ઉલ્લંધન કરનાર અથવા તેમાં મદદગારી કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 અન્વયે તેમજ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ચૂંટણી આયોગની સુચનાઓના ઉલ્લંઘન બદલ શિક્ષાને પાત્ર થશે.

