સંસદ-કાર્યપાલિકા-ન્‍યાયતંત્ર નહિ બંધારણ જ સર્વોપરી : ચીફ જસ્‍ટીસ

સંસદ-કાર્યપાલિકા-ન્‍યાયતંત્ર નહિ બંધારણ જ સર્વોપરી : ચીફ જસ્‍ટીસ

ચીફ જસ્‍ટીસનું મહત્‍વનું નિવેદન કે ત્રણેય સ્‍તંભોએ મળીને કામ કરવું જોઇએ : સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા હોવા છતાં તે મૂળભૂત સિધ્‍ધાંતોના માળખાને સ્‍પર્શી ન શકે
રવિવારે એક કાર્યક્રમમાં CJI બીઆર ગવઈએ કહ્યું કે ન તો ન્‍યાયતંત્ર, ન કાર્યપાલિકા, ન તો સંસદ સર્વોચ્‍ચ છે. પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્‍ચ છે અને ત્રણેય અંગોએ બંધારણ અનુસાર કામ કરવાનું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતના ૫૨મા મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરનારા જસ્‍ટિસ ગવઈએ બાર કાઉન્‍સિલ ઓફ મહારાષ્‍ટ્ર અને ગોવા દ્વારા આયોજિત સન્‍માન સમારોહ અને રાજ્‍યના વકીલોના સંમેલનને સંબોધન કરતી વખતે વાત કહી હતી. જસ્‍ટિસ ગવઈએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે દેશનું માળખાગત માળખું મજબૂત છે અને બંધારણના ત્રણેય સ્‍તંભ સમાન છે. તેમણે કહ્યું કે બંધારણના તમામ ભાગોએ એકબીજા પ્રત્‍યે યોગ્‍ય આદર દર્શાવવો જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન, ન્‍યાયાધીશ ગવઈ દ્વારા આપવામાં આવેલા ૫૦ નોંધપાત્ર ચુકાદાઓ પર આધારિત પુસ્‍તકનું પણ વિમોચન કરવામાં આવ્‍યું.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ તરીકે પદગ્રહણ કરનારા જસ્‍ટિસ બી.આર. ગવઈએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ન્‍યાયતંત્ર કે કાર્યપાલિકા નહીં પરંતુ દેશનું બંધારણ સર્વોપરી છે અને તેના તમામ સ્‍તંભ હળીમળીને કામ કરે તે અનિવાર્ય છે. બંધારણની સર્વોચ્‍ચતા પર ભાર મુકતા તેમણે જણાવ્‍યું હતું કે, સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા હોવા છતાં તે મૂળભૂત સિદ્ધાંતોના માળખાંને સ્‍પર્શી ના શકે. બુલડોઝર ન્‍યાયનો સંદર્ભ આપતાં તેમણે જણાવ્‍યું હતું કે, આશ્રયનો અધિકાર પણ સર્વોચ્‍ચ છે.મહારાષ્‍ટ્ર અને ગોવા બાર કાઉન્‍સિલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ આવેલાં ચીફ જસ્‍ટિસ ગવઈએ જણાવ્‍યું હતું કે, સામાજિક અને આર્થિક મોરચે દેશ મજબૂત થયો હોવાની સાથે સાથે જ વિકસિત પણ થયો છે અને આ સફર આગળ વધી રહી છે.ન્‍યાયતંત્ર, કાર્યપાલિકા કે સંસદ સર્વોપરી નથી માત્ર ભારતનું બંધારણ જ સૌથી ઉપર છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, આ ત્રણેય પાંખોએ સાથે મળીને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ અને ત્રણેયે એકબીજાના પૂરક બની પરસ્‍પર પૂરતું સન્‍માન આપવું જોઈએ.

વધુમાં જણાવ્‍યું હતું કે, મૂળભૂત સિદ્ધાંતોના માળખાં અનુસાર સંસદ બંધારણીય સુધારા દ્વારા સર્વોપરિતા, કાયદાનું શાસન તથા ન્‍યાયતંત્રની સ્‍વતંત્રતા જેવી બંધારણની કેટલીક મૂળભૂત લાક્ષણિકતાઓમાં સુધારો ના કરી શકે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ બીઆર ગવઇ રવિવારે એક કાર્યક્રમમાં સામેલ થવા મુંબઈ પહોંચ્‍યા હતા. આ દરમિયાન ચીફ જસ્‍ટિસને રિસીવ કરવા માટે ચીફ સેક્રેટરી, ડીજીપી અને મુંબઈ પોલીસ કમિશનર પહોંચ્‍યા નહીં. આ બાબતને લઈને ચીફ જસ્‍ટિસ ગવઇએ બાર કાઉન્‍સિલના કાર્યક્રમમાં નિરાશા વ્‍યક્‍ત કરી હતી. બાર કાઉન્‍સિલના કાર્યક્રમમા પોતાના સંબોધનમાં ચીફ જસ્‍ટિસ ગવઈએ કહ્યું કે, હું એ વાતથી નિરાશ છું કે મહારાષ્‍ટ્રના મોટા અધિકારી પ્રોટોકોલનું પાલન કરતા નથી. જ્‍યુડિશિયરી, લેજિસ્‍લેટિવ અને એક્‍ઝિકયુટિવ – આ ત્રણેય લોકશાહીના પિલર છે. આ તમામે એકબીજાનું સન્‍માન કરવું જોઈએ. જો ભારતના ચીફ જસ્‍ટિસ પહેલીવાર મહારાષ્‍ટ્ર આવી રહ્યા છે તો એવી આશા રાખવામાં આવે છે કે અહીંના ચીફ સેક્રેટરી, ડીજીપી અને મુંબઈના પોલીસ કમિશનરે હાજર રહેવું જોઈએ. આવું ન કરવું વિચારવા પર મજબૂર કરે છે. વક્‍તવ્‍ય દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ ગવઇ પોતાના માટે લોકોનું સન્‍માન અને પ્રેમ જોઈને ભાવુક થઈ ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *