હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડીયાના દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે..
હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડ યાત્રા શનિવારે સાજે પાટણના બગવાડા દરવાજા ખાતે આવી પહોચતા વિવિધ સંગઠનો દ્વારા ઢોલ-નગરા અને ભકિત સંગીતના સૂરો સાથે ભવ્ય સામૈયુ કરાયું હતું. ૧૭ શિવભક્તોના જૂથે માત્ર ૧૧ દિવસમાં ૧૨૨૦ કિલોમીટરની આ યાત્ર હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડીયા ના દુધેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગંગાજળ અને પુષ્કર કુંડના જળથી દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરશે.
કાવડિયાઓએ યાત્રા દરમિયાન કઠોર નિયમોનું પાલન કર્યું છે. તેઓએ ખાટલામાં સૂવાનો ત્યાગ કર્યો છે. લસણ-ડુંગળી વગરનું ભોજન લીધું છે. સતત ‘ઓમ નમઃ શિવાય’ના જાપ કર્યા છે. દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓ માટે ૨.૨૫ લાખનું વીમા કવચ પણ પૂરું પાડયું હતું.
આ યાત્રા બગવાડા દરવાજાથી મુખ્ય બજાર માર્ગે થઈને અનાવાડા દરવાજા થઈ દુધેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. આ મંદિર ૫૦૦ વર્ષથી પણ પ્રાચીન અને સ્વયંભૂ છે. તે ઉત્તર ગુજરાતના ચારમઠ પૈકીનો એક જાગીર ઘર મઠ છે. અહીં ગુરુગેડાગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે. શનિવારે બગવાડા દરવાજે કાવડયાત્રા આવી પહોચતા શહેરની વિવિધ સંસ્થાઓ અને વેપારીઓ સહિત હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિધવ, પૂવૅ પ્રમુખ દશરથજી ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતનાઓએ કાવડયાત્રા નું ભવ્ય સામૈયું કયુઁ હતું.

