વિદ્યાર્થીઓ સ્કીલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ સરકારે ઉભી કરી છે: કેબીનેટ મંત્રી
સિધ્ધપુર તાલુકાના કાકોશી પગાર કેન્દ્ર શાળાના રૂ.૧.૮૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન મકાનનું શનિવારે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનના લોકાર્પણ અને શાળાના વય નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરના વિદાયમાન સમારોહ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૫૬ માં શરૂ થયેલી આ શાળાના નવીન મકાનમાં એક કરોડ એંશી લાખના ખર્ચે માંગણી મુજબના ઓરડાઓ, ત્રણ નવા ઓરડાઓ, કમ્પ્યૂટર લેબ, સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે. આ વિસ્તારમાં શૈક્ષણિક ક્રાંતિમાં આ શાળાએ મહત્વનું યોગદાન આપ્યું છે.
શાળામાં સતત ૩૮ વર્ષ સુધી સેવાઓ આપનાર વય નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરની સેવાને તેઓએ બિરદાવી અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યકત કરી શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય સાઈઠ હજાર કરોડની ફાળવણી બજેટ શિક્ષણ માટે સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને પગલે ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્કીલ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો હોવાનું જણાવી આજના ડિજિટલ ક્રાંતિ અને કમ્પ્યુટર યુગમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કીલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થાઓ સરકારે ઉભી કરી સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે એવી સુવિધા ઓથી સજજ બની છે. સ્કીલ આધારિત શિક્ષણને લીધે ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંય પાછો નહિ પડે.દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. અને બેકારી રેટ ૧.૧ ટકા છે. ગુજરાત સતત પ્રગતિના પંથે જઈ રહ્યું છે.