પાલનપુર અને અંબાજીના ખૂણે ખૂણા ઉપર બાજ નજર
જિલ્લામાં વર્ષ 2024 માં 34854 લોકોને ઓનલાઈન2,85,80,860 નો દંડ
નેત્રમ ટીમ દ્વારા અલગ અલગ 7 પ્રકારના ગુન્હાના 35 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યાં છે.
બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરમાં જોરાવર પેલેસ સેવાસદન- 2 ની પાસે આધુનિક સેવાઓથી સજ્જ નેત્રમ વિભાગ આવેલો છે.જ્યાં લાગેલા અત્યાધુનિક મોટા ડિસ્પ્લે ઉપર પાલનપુર શહેર અને જગ પ્રસિદ્ધ માં અંબાનું ધામ અંબાજીમાં 31 જંકશન ઉપર 256 સીસીટીવી કેમેરા દ્વારા શહેરના એક એક ખૂણામાં શું થઈ રહ્યું છે? તેની બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.પાલનપુર અને અંબાજીમાં લાગેલા આધુનિક સીસીટીવી કેમેરા 24 કલાક કાર્યરત રહી એક એક પળના ફૂટેજ નેત્રમની કચેરી મોકલાવે છે.ફરજ પરના કર્મચારી સતત ડિસ્પ્લે ઉપર નજર રાખી શહેરની સ્થિતિ ટ્રાંફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકોને અહીંથી જ ઓન લાઈન મેમો આપે છે. તો શહેરમાં બનેલ અન્ય ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવામાં પણ મદદરૂપ બને છે. જેમાં ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ, નો પાર્કિંગ, ટુ વહીલર ઉપર ત્રણ સવારી, સીટ બેલ્ટ, હેલ્મેટ,ઓવર સ્પીડ સહિતના નિયમનો ભંગ કરનાર 34854 લોકોને ઓન લાઈન મેમો આપીને 2 કરોડ 85 લાખ 80 હજાર 660 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વર્ષ 2024 માં આ ગુનાઓનું ડિટેક્શન કરાયું; અલગ અલગ 7 પ્રકારની કેટેગરીના 35 આરોપીઓને ઝડપી પાડીને કુલ રૂપિયા 4904768 નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં
1. વાહન અકસ્માતના 11 ગુના શોધી કાઢવામાં આવ્યાં (વાહનને ટક્કર મારીને જતાં રહ્યાં હોય અજાણ્યાં),
2. ગુમ ચીજ વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન,બેગ અગત્યના દસ્તાવેજો,અગત્યનો માલ સામાનના 14 કેસ શોધીને 109800નો મુદામાલ ઝડપી પાડ્યો
3. ચોરીના 11 ગુના શોધીને 4338303 નો મુદામાલ ઝડપી પડાયો
4.લૂંટના બે ગુનાઓને શોધી 215000 નો મુદામાલ ઝડપી પાડ્યો
5 . ચેન સ્નેચિંગ એક કેસ શોધીને 1916645 નો મુદામાલ ઝડપી પાડ્યો
6 .અલગ અલગ ગુના જેવા કે મારામારી, આરોપીઓ ભાગી ગયા હોય એવા 9 કેસો શોધીને 50000 નો મુદામાલ ઝડપી પાડ્યો,7. એક મર્ડર કેસ શોધવામાં આવ્યો છે.
જિલ્લાની 9 બોર્ડર ઉપર સીસીટીવી કેમેરાનું કામ પ્રગતિમાં; બનાસકાંઠામાં ફેસ 2 માં ડીસા,થરાદ તેમજ રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલી 9 બોર્ડેર જેવી કે ખોડા,વાસણ,નેનાવા, અનાપુરા, ગુંદરી,અમીરગઢ,સરહદ છાપરી,જાંબુડી,વાવધરા બોર્ડર ઉપર 686 નવીન સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિમાં હોવાનું નેત્રમ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. ગત 26 જાન્યુઆરીના રોજ નેત્રમ પીએસઆઇને શ્રેષ્ઠ કામગીરીનું પ્રસંસાપત્ર આપવામાં આવ્યું હતું.