યુએનમાં ચીન વિરુદ્ધ મતદાનમાં ગેરહાજર રહી ભારતે ચોંકાવ્યા ઉઈઘુરો પર અત્યાચાર
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે ચીનને ઘેરવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોને શુક્રવારે જોરદાર ફટકો પડયો હતો. સરહદી વિવાદ છતાં ચીન વિરુદ્ધ અમેરિકાએ લાવેલા પ્રસ્તાવના મતદાન સમયે ભારત અને યુક્રેન સહિત ૧૧ દેશોએ ગેરહાજર રહીને ચીનને પરોક્ષ રીતે મદદ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ૪૭ સભ્યોની પરિષદમાં આ પ્રસ્તાવનું પડી જવું એ અમેરિકા અને પશ્ચિમી દેશોની લોબી માટે મોટા ફટકા સમાન માનવામાં આવે છે. સંયુક્ત પરિષદના ૧૬ વર્ષના ઈતિહાસમાં માત્ર બીજી વખત અમેરિકાએ રજૂ કરેલી દરખાસ્ત અસ્વીકૃત થઈ છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં ચીનના શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારોના ભંગ અંગે ચર્ચા થઈ રહી હતી. અમેરિકા, કેનેડા, ડેન્માર્ક, ફિનલેન્ડ આઈસલેન્ડ, સ્વીડન, ઈંગ્લેન્ડ સહિત અનેક પશ્ચિમી દેશ એક દરખાસ્ત લઈને આવ્યા હતા, પરંતુ ચીન વિરુદ્ધનો આ પ્રસ્તાવ પડી ગયો હતો. તેનું કારણ એ હતું કે, આ પ્રસ્તાવ પર ચર્ચા માટે ૧૭ દેશ સંમત થયા હતા જ્યારે ૧૯થી વધુ દેશોએ ચર્ચાનો ઈનકાર કરી દીધો. સાથે ભારત સહિત ૧૧ દેશ એવા પણ હતા, જે મતદાનથી ગાયબ રહ્યા હતા. આમ, આ પ્રસ્તાવની તરફેણમાં જરૂરી મત મળી શક્યા નહીં અને ચીનને તેનો સીધો ફાયદો થયો.
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે શિનજિયાંગ ઉઈઘુર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવાધિકાર પર ચીન વિરુદ્ધ મતદાન કરવામાંથી યુક્રેન પણ દૂર રહ્યું હતું. આ સિવાય ભારત પર અવારનવાર મુસ્લિમોની સ્થિતિ અંગે સવાલો ઉઠાવનારા ઈસ્લામિક દેશો ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે ચૂપ છે. આ દરખાસ્તમાં પાકિસ્તાન અને ઓઆઈસીની પોલ ખુલી ગઈ હતી. ઓઆઈસીના ૧૭માંથી ૧૨ દેશ ચીનની તરફેણમાં હતા. પાકિસ્તાને તો શિનજિયાંગમાં સામાજિક આર્થિક વિકાસ, સદ્ભાવના, શાંતિ અને સ્થિરતા માટે ચીનના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ઓઆઈસીમાં એકમાત્ર સોમાલિયા શિનજિયાંગમાં મુસ્લિમોની સ્થિતિ પર ચર્ચાની તરફેણ કરતો હતો.
ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે કે નહીં તે મુદ્દો હતો. જોકે, આ પ્રસ્તાવ પડી જવાથી અનેક સામાજિક કાર્યકરો નારાજ થઈ ગયા છે. જે લોકો લાંબા સમયથી ચીનમાં થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઊઠાવી રહ્યા હતા, તેમના માટે આ મોટો ફટકો સાબિત થયો છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જનરલ સચિવ એગ્નેસ કોલમાર્ડે કહ્યું કે, આજનું આ મતદાને એવા લોકોને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે, જે લાંબા સમયથી માનવાધિકારોનો ભંગ કરી રહ્યા છે. વધુમાં આ પ્રસ્તાવ એવા સમયે રદ થઈ ગયો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રનો પોતાનો રિપોર્ટ દાવો કરે છે કે શિનઝિયાંગ ક્ષેત્રમાં ઉઈઘુર મુસ્લિમો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. ઑગસ્ટ મહિનામાં જ એક ટીમે વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ઉઈઘુરો પર અત્યાચાર અંગે વિસ્તૃત રિપોર્ટ અપાયો છે. તેમાં કહેવાયું છે કે ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે અને તેમની ધાર્મિક આઝાદી સંપૂર્ણપણે આંચકી લેવાઈ છે. હજારો યુવાન, વૃદ્ધો અને બાળકોને વિશેષ શિબિરોમાં નજરકેદ રખાયા છે. આ પ્રસ્તાવ પાસ થઈ ગયો હોત તો ચીનમાં ઉઈઘુરોની સ્થિતિ પર પહેલાં ચર્ચા થઈ હોત. આગળ જઈને ચીન વિરુદ્ધ કાર્યવાહીનો રસ્તો ખૂલી જાત. પસાર થયેલા પ્રસ્તાવના આધારે ચીન પર પ્રતિબંધ પણ મુકી શકાયા હોત.
સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર ભંગ મુદ્દે મતદાન પછી ભારતના વલણની સૌથી વધુ ચર્ચા થઈ હતી. ભારત અને ચીન વચ્ચે સરહદીય વિવાદની વર્તમાન સ્થિતિને જોતાં અમેરિકાને આ પ્રસ્તાવમાં ભારતના સમર્થનની પૂરી આશા હતી. પરંતુ ભારતનું કહેવું છે કે તે યુએનએચઆરસી જેવી સંસ્થાઓમાં કોઈ એક દેશ વિરુદ્ધ મતદાન નહીં કરવાની તેની નીતિ પર અડગ છે