કટ્ટર દુશ્મન એવા અમેરિકા અને ઈરાન વચ્ચે ઓમાનમાં બેઠકમાં શું ખીચડી રંધાઈ
બે કટ્ટર હરીફો અને પરંપરાગત દુશ્મનો યુએસ અને ઈરાનના અધિકારીઓએ ઓમાનની રાજધાની મસ્કતમાં બંધ બારણે વાટાઘાટો કરી હતી.મંત્રણામાં બંને દેશોએ મધ્ય પૂર્વ અને ખાડી દેશોમાં તણાવ ઓછો કરવા, તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ લગાવવા અને અમેરિકન કેદીઓને મુક્ત કરવા અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે.બેઠકની માહિતી ઓમાનના અધિકારીએ આપી હતી.
2015ના પરમાણુ સમજૂતી પર બંને દેશો વચ્ચે થયેલ સંઘર્ષ અને તેને ફરી પાટા પર લાવવાના નિષ્ફળ પ્રયાસો બાદ આ બેઠક બાબતે બંને પક્ષોએ સાર્વજનિક રીતે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકાએ ઈરાનની સાથે પરમાણું સંધિ વખતે પોતાને અલગ કરી દેતા બંને દેશો વચ્ચે તણાવ અને કડવાશ પણ વધી ગઈ હતી.
પાંચ વર્ષ અગાઉ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે ઐતિહાસિક જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શનમાંથી બહાર નીકળી ગયા હતા અને ઈરાન પર વધુ દબાણ લાવવા માટે એકતરફી પ્રતિબંધ પણ લગાવી દીધો હતો. શરૂઆતમાં, અમેરિકાના ઘણા સહયોગીઓએ તેને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સિદ્ધાંત ગણાવ્યો હતો પરંતુ બાદમાં વિવિધ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને અમેરિકી નીતિને અનુસરીને ઈરાન પરના પ્રતિબંધમાં જોડાયા હતા.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બંને પક્ષો 2015ની ન્યુક્લિયર ડીલ પર JCPOA સોદાને ફરીથી પાટા પર લાવવાને બદલે તે સોદાના મુખ્ય ઉદ્દેશો સાથે એક ટૂંકાગાળાની સમજૂતી પર કોઈ નિષ્કર્ષ પર પહોંચશે જે ઘણા વર્ષોથી અટકી પડી છે. જાણકારો અનુસાર આ બેઠક પરંપરાગત દુશ્મનો વચ્ચે એક પ્રકારની કૂટનીતિ ફરી શરૂ થવાનો પણ સંકેત આપે છે.
એક રીપોર્ટ અનુસાર ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસીર કનાનીએ ગત અઠવાડિયે એક પ્રેસ બ્રીફિંગમાં બંને દેશો વચ્ચે થયેલ સંવાદની પૃષ્ટિ કરી છે અને જણાવ્યું હતું કે મસ્કત બેઠક ગુપ્ત નહોતી. કનાનીએ જણાવ્યું હતું કે બંને દેશોના JCPOAથી અલગ સમજૂતીપ પર વાતચીત કરવાનો ઈરાદો નથી.
બીજી તરફ અમેરિકન સરકારે પણ ઈરાન સાથે કોઈપણ કરાર કરવામાં આવી રહ્યો હોવાનો ઇનકાર કર્યો છે. કતાર યુનિવર્સિટીના ગલ્ફ સ્ટડીઝ સેન્ટરના ડિરેક્ટર મહજૂબ ઝવેરીએ જણાવ્યું હતું કે આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી છે ત્યારે બાઈડન વહીવટી તંત્ર કોઈ રાહત આપવા માંગતું નથી. અમેરિકા તે પણ નથી ઇચ્છતું કે તેનું સહયોગી ઇઝરાયેલ ઈરાન પર પ્રોક્સી હુમલા કરે કેમ કે તેનાથી ક્ષેત્રીય સ્થિતિ વિકટ થઇ શકે છે.
ઈરાનના નિષ્ણાત અને કાર્નેગી યુરોપના રેસિડેન્ટ ફેલો કોર્નેલિયસ અદેબહારના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે કોઈ નવી ડીલ કે અનૌપચારિક વાતચીત થઈ નથી. અદા બહરે ધ્યાન દોર્યું હતું કે ઈરાન અને યુએસ વચ્ચેની તાજેતરની વ્યવસ્થા ઈરાનને ઈરાક પાસેથી બાકી દેવાની ચૂકવણીની મંજૂરી આપવામાં આવી છે, તે ઈરાન માટે એક સકારાત્મક પગલું છે, જે યુ.એસ. માટેના તેના જૂના ખતરનાક વલણની વિરુદ્ધ છે.
ઈરાન તે બાબત પર અડીગ છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે અને તેના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને JCPOAમાં સામેલ ન કરવો જોઈએ. ઈરાન એવું પણ માની રહ્યું છે કે અમેરિકા પરમાણુ હથિયાર બનાવવાની આડમાં તેને વિવાદમાં ફસાવીને તેના પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમ અમેરિકાએ ઈરાક સાથે કર્યું હતું. ઈરાન પર અમેરિકાની આ ચાલ કામ ન કરી શકી કારણ કે રશિયા ઈરાન સાથે મિત્ર દેશ તરીકે ઉભું છે.
વર્તમાન વાટાઘાટો હેઠળ, અમેરિકા ઈરાનના પરમાણુ અને શસ્ત્રોના કાર્યક્રમો પર અંકુશ લગાવવા, ઈરાનમાં કેદ અમેરિકનોની મુક્તિ સુનિશ્ચિત કરવા, રશિયા-યુક્રેન યુદ્ધમાં ઈરાનની કથિત ભૂમિકાને મર્યાદિત કરવા અને ઉર્જા બજાર અને તેલની કિંમતો સ્થિર કરવા પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈરાને રશિયાને ઘણા ડ્રોન આપ્યા છે જે યુક્રેન સાથેના યુદ્ધમાં પશ્ચિમી દેશોને પરેશાન કરી રહ્યા છે. જો કે, તેહરાને કહ્યું છે કે તેણે યુક્રેન-રશિયા યુદ્ધ શરુ થયાના મહિનાઓ પહેલા રશિયાને ડ્રોન સપ્લાય કર્યા હતા અને તે પણ ઇચ્છે છે કે વાટાઘાટો દ્વારા સંવાદ દ્વારા શાંતિ સ્થાપવામાં આવે.
Tags New Delhi rakhewaldaily