દાન આપવા માટે અમીરી નહિ ખમીરી જોઈએ’: ભંગાર વેચનાર વ્યક્તિએ કર્યું રૂ. 35 લાખનું દાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ટોચના ઉદ્યોગપતિની સાથે દેશના અગ્રણી દાનવીર ગણાતા રતન ટાટા પોતાની કમાણીનો મોટો હિસ્સો ગરીબોની મદદ માટે વાપરે છે. પરંતુ હરિયાણાના કૈથલ જિલ્લાના ફકીર ચંદ પણ રતન ટાટાથી ઓછા નથી. જોકે, આ કોઈ મોટા બિઝનેસમેન તો નથી પરંતુ તેમનું દિલ રતન ટાટા કરતા પણ મોટુ છે. 53 વર્ષના ફકીર ચંદ 25 વર્ષથી ભંગારના વેપારી તરીકે કામ કરે છે અને તેમની કમાણીનો લગભગ 90% હિસ્સો ચેરિટીમાં દાન કરી દે છે.

ફકીર ચંદ એક જ રૂમમાં રહે છે અને માત્ર કેટલીક જરૂરી વસ્તુઓ સાથે જ પોતાનું જીવન જીવે છે. ફકીર ચંદે જણાવ્યું કે તેઓ 5 ભાઈ-બહેનો હતા. પરંતુ તે પરિવારમાં એકલો છે. ફકીર ચંદે પોતાની 11 લાખ રૂપિયાની રકમ અને ભાઈ અને બહેનના મૃત્યુ બાદ તેમની 24 લાખની બચત પણ દાનમાં આપી દીધી છે. ફકીર ચંદ જ્યાં પણ જાય તેમનો પહેરવેશ જોઈને એવું લાગતું નથી કે તેઓ સેવાભાવી સજ્જન તરીકે કોઈ સંસ્થામાં જાય છે.

ભાઈ-બહેનોના પૈસાથી ફકીર ચંદ ઘરમાં બેસીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે પરંતુ તેઓ મહેનતની કમાણીમાં વિશ્વાસ રાખે છે. તેમનું માનવું છે કે, મહેનત કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ફકીર ચંદે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષોથી તેઓ કાર્ડબોર્ડ એકઠા કરે છે અને તેને ભંગારની દુકાનમાં વેચે છે અને તે પૈસા ચેરિટીમાં દાન કરે છે. ફકીર ચંદ આ કામ પગપાળા જ કરે છે.  ફકીર ચંદ રોજ લગભગ 700થી 800 રૂપિયા કમાય છે અને 150-200 રૂપિયા બચાવીને બાકીના પૈસા દાન કરી દે છે.

લોકો ફકીર ચંદની આ દરિયાદિલીની પ્રશંસા કરી રહ્યા છે. ફકીર ચંદ જેવો કોઈ જ સમાજસેવક અથવા દાતા ભાગ્યે જ કોઈ દેશમાં હશે. જો ફકીર ચંદે આપેલા દાનની વાત કરીએ તો અત્યાર સુધીમાં ફકીર ચંદે 5 ગરીબ છોકરીઓના લગ્ન કરાવ્યા છે. લગ્નમાં દરેક યુવતીને લગભગ 75 હજાર રૂપિયાનો સામાન પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે ધર્મશાળા, ગૌશાળાઓમાં ગાયો માટે શેડ, કુરુક્ષેત્રના અરુણાય મંદિરની ધર્મશાળામાં એક શેડ બનાવ્યો છે. આ ઉપરાંત કૈથલમાં નિર્માણાધીન નીલકંઠ મંદિરમાં 12 થી 13 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. વૃદ્ધાશ્રમમાં 2 લાખ 30 હજાર રૂપિયામાં એક રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફકીર ચંદે ખાટુ શ્યામ મંદિર કૈથલમાં 3 લાખ 60 હજાર રૂપિયાથી શેડ પણ બનાવવામાં આવ્યો છે.

ફકીર ચંદે જણાવ્યું કે તે ભંગારનું કામ કરે છે તે કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક અને લોખંડ ખરીદે છે અને તેમાંથી 700-800 રૂપિયા કમાય છે. હું મારા જીવનનિર્વાહ માટે પૈસા બચાવું છું અને બાકીનું દાન કરી દઉં છું. અત્યાર સુધી મેં રૂ.35 લાખનું દાન કર્યું છે. મારી બહેન પરબિડીયું બનાવતી હતી, ભાઈ કાર્ડબોર્ડનું કામ કરતો હતો. તેઓ તેમની પાછળ 24 લાખ રૂપિયા છોડી ગયા હતા. મેં તેમના પણ પૈસા દાનમાં આપી દીધા અને મારી પાસે જે પૈસા હતા એ પણ દાન કરી દીધા. મેં ઘણી ગૌશાળાઓ અને મંદિરોમાં દાન કર્યું છે. આ ઉપરાંત 5 યુવતીઓના લગ્ન કરાવ્યા છે અને વૃદ્ધાશ્રમમાં રૂમ બનાવવામાં આવ્યો છે. મારી આગળ પાછળ કોઈ નથી. મેં વિચાર્યું કે પૈસાનો સદુપયોગ કરવો જોઈએ. રતન ટાટા જેવા મોટા લોકો દાન કરે છે મને લાગ્યું કે મારે પણ દાન કરવું જોઈએ. દાન આપવા માટે અમીર હોવું જરૂરી નથી વ્યક્તિનું હૃદય મોટું હોવું જોઈએ. હું લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે તેમની જરૂરિયાત મુજબ જ પૈસા રાખ્યા બાદ બાકીના પૈસા દાનમાં આપી દેવા જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.