કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું- GPSથી થશે ટોલ ટેક્સની વસૂલાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આવનારા સમયમાં તમને મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર થનારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. કેન્દ્રીય સડક, પરિવહનમંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે સંસદમાં કહ્યું હતું કે આગામી એક વર્ષમાં હાલની ટોલ કલેક્શન સિસ્ટમને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે, એટલે કે હાલના ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. એની જગ્યાએ ટોલ કલેક્શન માટે નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે હાલની ટોલ કલેક્શનની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS) દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ અંતર્ગત વાહન જેટલા કિલોમીટર સુધી હાઈવેનો પ્રયોગ કરશે એટલા કિલોમીટર માટે જ ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે. હાઈવે પર ચઢવા અને ઊતરવાનું રેકોર્ડિંગ GPS દ્વારા નોંધવામાં આવશે.

એટલે કે જો કોઈ વાહનચાલક એક પોઈન્ટથી હાઈવે પર ચઢ્યા પછી 35 કિલોમીટર સુધીની મુસાફરી કર્યા પછી હાઈવે છોડે છે તો માત્ર 35 કિલોમીટર માટે જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પ્રત્યેક 60 કિલોમીટર પર ટોલ પ્લાઝા આવેલા છે અને વાહનચાલકોએ ઓછામાં ઓછા 60 કિલોમીટર માટે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે.

પ્રશ્નકાળ દરમિયાન અમરોહાથી સાંસદ દનિશ કુવર અલીના એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નવાં વાહનોમાં GPS કંપની તરફથી લગાવીને આપવામાં આવે છે. જૂનાં વાહનોમાં GPSની સમસ્યા છે. ટોલ ટેક્સ કલેક્શનની નવી સિસ્ટમ માટે સરકાર તરફથી જૂનાં વાહનોમાં મફત GPS લગાવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નવી સિસ્ટમમાં ટોલ ટેક્સની વસૂલાત ફાસ્ટેગથી કરવામાં આવશે. હાલ દેશમાં લગભગ 93 ટકા ટોલ ટેક્સ કલેક્શન ફાસ્ટેગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેશ દ્વારા ટોલ ટેક્સ આપનારા શેષ 7 ટકા વાહનોને ફાસ્ટેગથી જોડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.