Tripura News: ત્રિપુરાની શાળામાં હિજાબ વિવાદ, એકઠી થયેલી ભીડે 10માં ધોરણનાં વિધાર્થી પર કર્યો હુમલો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં એક સરકારી શાળાનો ધોરણ 10નો વિદ્યાર્થીએ સંસ્થામાં હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓને કથિત રીતે સમર્થન આપવા બદલ ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. કર્ણાટક હિજાબ વિવાદની જેમ, આ ઘટનામાં પણ કોરોઈમુરા હાયર સેકન્ડરી સ્કૂલના હિંદુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયની છોકરીઓ દ્વારા હિજાબ પહેરવાને લઈને વિભાજિત થઈ ગયા હતા.

ધોરણ 10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે કથિત રીતે મુખ્ય શિક્ષકના રૂમમાં તોડફોડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ગુસ્સે હતા કારણ કે મુખ્ય શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ ન પહેરવા અને યોગ્ય કપડાં પહેરીને શાળાએ આવવા કહ્યું હતું. આ પછી સ્કૂલની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને જ્યારે વિદ્યાર્થી બહાર આવ્યો તો ભીડે તેના પર હુમલો કર્યો અને માર માર્યો હતો. કિશોર બિશાલગઢ પોલીસ સ્ટેશન હેઠળના પ્રભુરામપુરનો રહેવાસી છે.

મદદનીશ પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) જ્યોતિષમાન દાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ પ્રિયતોષ નંદીએ મીડિયાને જણાવ્યું કે તાજેતરમાં શિક્ષકો સાથેની બેઠક બાદ મેં તમામ વિદ્યાર્થીઓને યોગ્ય પોશાક પહેરીને શાળામાં આવવા સૂચના આપી હતી. જો કે, લઘુમતી સમુદાયની વિદ્યાર્થીનીઓએ કહ્યું કે તેઓ આ સૂચનાનું પાલન કરી શકતા નથી કારણ કે હિજાબ પહેરવું એ ધાર્મિક પ્રથા છે.

મુખ્ય શિક્ષકે કહ્યું કે વિશ્વ હિંદુ પરિષદ (VHP) નું એક પ્રતિનિધિમંડળ પણ તાજેતરમાં જ તેમને મળ્યું હતું અને તેમને વિનંતી કરી હતી કે તેઓ વિદ્યાર્થીઓને, ધર્મને ધ્યાનમાં લીધા વિના, શાળાના ગણવેશમાં વર્ગોમાં હાજરી આપવા કહે. મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરીને તેમના વર્ગમાં હાજરી આપે છે તેના જવાબમાં, હિન્દુ વિદ્યાર્થીઓનું એક જૂથ ગુરુવારે ભગવા રંગના કુર્તામાં શાળામાં પહોંચ્યું. નંદીએ કહ્યું કે તેણે ભગવા કુર્તા પહેરેલા વિદ્યાર્થીઓને શાળાના ડ્રેસ કોડનું પાલન કરવા કહ્યું હતું.

મુખ્ય શિક્ષકે કહ્યું કે આ વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ શાળાનો ગણવેશ પહેરશે, જો કે તમામ વિદ્યાર્થીઓ યોગ્ય શાળા ગણવેશમાં સંસ્થામાં આવે. પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. ગયા વર્ષની શરૂઆતમાં, કર્ણાટકમાં એક કોલેજે વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યા પછી વિવાદ સર્જાયો હતો. આ મામલો ટૂંક સમયમાં રાજ્યવ્યાપી મુદ્દો બની ગયો હતો. કર્ણાટકનો હિજાબનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.