દિલ્હીમાં ફસાયેલા ગુજરાતના ૧૦ વિદ્યાર્થીની, કોરોના વાઇરસથી બચી જઈશું પણ ભૂખમરો મારી નાખશે
રખેવાળ, સુરત.
લોકડાઉનને લઈને ગુજરાતના ૧૦ વિદ્યાર્થી અને એક વાલી સહિત ૧૧ દિલ્હીમાં ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓને ખાવાની ખૂબ તકલીફ અને રૂપિયા પણ ખતમ થવા આવતા મદદની પુકાર લગાવી છે. વિદ્યાર્થીઓએ પીએમ મોદીને અપીલ કરી છે કે, દિલ્હીથી ગુજરાત જતી કોઈ પણ ટીમ સાથે અમને ગુજરાત મોકલી આપો અમે પરિવાર સાથે રહેવા માગીએ છીએ અમારી માનસિક સ્થિતિ પણ બગડી રહી હોય એમ લાગે છે. ઘરમાં બંધ રહીને કોરોના વાઇરસથી બચી જઈશું પણ ચોક્કસ મોંઘવારી સાથેનો ભૂખમારો અમને મારી નાખશે
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ઉધિયાન સામે ગાર્ડન ગેટ એપાર્ટમેન્ટમાં રહેતા દીપમ રમેશભાઈ નકુમ(ઉ.વ.૨૩) રહે છે. છેલ્લા ૯ મહિનાથી દિલ્હીમાં યુપીએસસીનો અભ્યાસ કરી રહ્યો છે. લોકડાઉનના કારણે કરોલ બાગ લક્ષ્મીનગર ઈસ્ટ દિલ્હીમાં ફસાઈ ગયો છે.
દીપમે જણાવ્યું હતું કે, હાલ લગભગ ગુજરાતના ૧૦ વિદ્યાર્થીઓ દિલ્હીમાં ફસાયા છે. ગુજરાત ભવનમાં ફોન કરીએ તો કહે છે હાલ બંધ છે કહી ફોન કાપી નાખે છે. ખાવાની ખૂબ તકલીફ પડી રહી છે. પૈસા પણ ખલાસ થવા આવ્યા છે. સુરતમાં પિતા પાન-માવાની દુકાન ચલાવે છે જે ધધો પણ બંધ છે. દિલ્હી હાલ ખૂબ જ મોંઘું બની ગયું છે. બહારથી ટિફિન મગાવીને ભોજન કરીએ છીએ પણ અસુરીક્ષિત મહેસુસ થાય છે.
દીપમે વધુમાં જણાવ્યું હતું કે, વારંવાર બધાને અપીલ કરી રહ્યા છીએ કે, અમને અહીંયાંથી બહાર કાઢી સુરત મોકલી આપો. પણ કોઈ સાંભળતું નથી. મારી સાથે જે વિદ્યાર્થીઓ છે એ બધા મધ્યમ અને ગરીબ વર્ગના છે. તમામની હાલત બગડી રહી છે. ઘરમાં બંધ રહીને કોરોના વાઇરસથી બચી જઈશું પણ ચોક્કસ મોંઘવારી સાથેનો ભૂખમારો અમને મારી નાખશે. કોઈ પણ અમને સમજવાનો પ્રયાસ કરી રહ્યા નથી.
દીપમે વધુમાં ઉમેર્યું હતું કે, મારી સાથે નવસારીના ૨ વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થીના પિતા પણ દીકરી ને લેવા આવ્યા હતા અને લોકડાઉનમાં ફસાઈ ગયા છે. એટલું જ નહીં પણ જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ સહિતના આખા ગુજરાતના વિદ્યાર્થીઓ દિલ્હીના જુદાજુદા વિસ્તારોમાં ફસાઈ ગયા છે.
ફસાયેલા વિદ્યાર્થીના નામ
દીપક નકુમ- સુરત
નિરાલી વીશીયા- નવસારી
જીવાભાઈ વીશીયા- નવસારી
પ્રેક્સા ઘામ્સાની- જૂનાગઢ
હાર્દિકકુમાર તેજાની- સુરત
મીહિર ગુપ્તા- અમદાવાદ
શ્રુષ્ટી માડાણી- સુરત
દિવ્યેશ ચાવડા- જામનગર
અભિષેક ઓડ- મેહસાણા
કિશન ચૌહાણ- પોરબંદર
મીરા ચૌહાણ- રાજકોટ