દેશમાં વધી રહેલા ટ્રેન અકસ્માતોને રોકવા માટે રેલવેએ કરી રેલ રક્ષક દળની રચના
દેશભરમાં વધી રહેલા ટ્રેન અકસ્માતોને રોકવા માટે ભારતીય રેલ્વેએ પ્રથમ વખત રેલ રક્ષક દળની રચના કરી છે. ભારતીય રેલવેએ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) ઝોનમાં આ પહેલ શરૂ કરી છે. રેલ્વે ગાર્ડની ટીમો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવા સક્ષમ છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના IG RPF જ્યોતિ કુમાર સતીજાએ કહ્યું કે અમારા માટે ગર્વની ક્ષણ છે કે અમારા રેલ્વે મંત્રીએ કોઈપણ દુર્ઘટના સમયે બચાવમાં ઝડપી પ્રતિક્રિયા આપવા માટે આ પહેલ કરી છે.
જ્યોતિ કુમાર સતીજાએ કહ્યું કે રેલ્વે મંત્રીએ ઉત્તર પશ્ચિમ રેલ્વેને આ જવાબદારી આપી છે અને આરપીએફ અને મિકેનિકલ ટીમને 4 અઠવાડિયાની વિશેષ તાલીમ આપવામાં આવી છે. અમારી ટીમ રેલવે પ્રોટેક્શન ટીમ શક્ય તેટલા ઓછા સમયમાં અકસ્માતના સ્થળે પહોંચી જશે. આ એક ખૂબ જ ઐતિહાસિક પહેલ છે. તેમણે કહ્યું કે ભારતીય રેલ્વેએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ‘રેલ રક્ષા દળ’ ટીમ અને સાધનો તૈનાત કર્યા છે.