તિરુપતિ લાડુના ઘીમાં ભેળસેળ: CM નાયડુએ કહ્યું લોકોની ભાવનાઓ સાથે રમત સહન કરવામાં આવશે નહીં, SIT કરશે તપાસ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે તિરુપતિના પ્રસાદમ લાડુમાં ભેળસેળના આરોપોની SIT તપાસ થશે. તેમણે કહ્યું કે લોકોની ભાવનાઓ સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં. તેમણે રાજ્યની અગાઉની YSRCP સરકાર પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં અગાઉની સરકાર દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા ઘી ખરીદવા માટેની ઘણી પ્રક્રિયાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નાયડુએ કહ્યું કે આ કારણે તેમણે ગેરરીતિઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવાનો નિર્ણય કર્યો છે.
નાયડુએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉની રાજ્ય સરકાર દરમિયાન ટીટીડી બોર્ડમાં નિમણૂકો “જુગાર” જેવી બની ગઈ હતી અને એવા લોકોને નિયુક્ત કર્યા હતા જેમને કોઈ વિશ્વાસ નથી અને બોર્ડમાં બિન-હિંદુઓને પસંદગી આપવામાં આવી હતી. તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું કે લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ઘટસ્ફોટ બાદ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. નાયડુએ કહ્યું, “આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) સ્તરના અથવા તેનાથી ઉપરના અધિકારીની દેખરેખ હેઠળ SITની રચના કરવામાં આવશે.” તે તમામ કારણો, સત્તાના દુરુપયોગની તપાસ કરશે અને સરકારને રિપોર્ટ કરશે.