મરાઠી, બંગાળી સહિતની આ ભાષાઓને મળ્યો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો, પીએમ મોદીએ કહી આ વાત
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારની આપણી સંસ્કૃતિને આગળ ધપાવવાની ફિલસૂફીને અનુરૂપ છે, આપણા વારસા પર ગર્વ રાખો, સૌને ગર્વ હોવો જોઈએ. ભારતીય ભાષાઓ અને આપણા સમૃદ્ધ વારસાને અનુરૂપ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમની આગેવાની હેઠળની સરકાર પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની પ્રતિબદ્ધતામાં અડીખમ છે. આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ ‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરી અને કહ્યું કે આ બધી ભાષાઓ સુંદર છે અને દેશની જીવંત વિવિધતાને રેખાંકિત કરે છે. આ માટે દરેકને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિનું મૂલ્ય ધરાવે છે અને ઉજવણી કરે છે. અમે પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં પણ અટલ રહ્યા છીએ.”