રાહુલ ગાંધીનાં કથનોએ સર્જેલો રાજકીય ભૂકંપ મ.પ્ર.માં ‘ભારત જોડો યાત્રા’ના પ્રારંભ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેઓની ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆતથી જ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આક્રમણ શરૂ કરી દીધું છે, તેમાંએ મધ્યપ્રદેશમાં બોદરલી ગામથી પ્રવેશ કરતાં તે ગામે યોજેલી જાહેરસભામાં તેઓએ કેન્દ્રના શાસકપક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલા તીવ્ર પ્રહારોએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે.
તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ યુવાનો, ખેડૂતો અને મજૂરોનાં મનમાં પહેલાં ભય ફેલાવે છે, અને પછી તેને હિંસામાં ફેરવી નાખે છે.
રાહુલના નેતૃત્વ નીચેની ‘ભારત જોડો યાત્રા’ મહારાષ્ટ્રમાંથી પસાર થયા પછી દક્ષિણનું દ્વાર કહેવાતાં બુરહાનપુર જિલ્લાનાં બોદરવી ગામમાં નિશ્ચિત કાર્યક્રમ કરતાં એક કલાક મોડી પહોંચી હતી.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જ્યારે આ ગામમાં દાખલ થયા ત્યારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનાં કોંગ્રેસ એકમોએ પરસ્પરના રાષ્ટ્રધ્વજોનું હસ્તાંતરણ કર્યું હતું. આ સાથે રાહુલે મધ્યપ્રદેશની તેમની યાત્રાનો વિધિવત્ પ્રારંભ કર્યો હતો. આ સમયે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાના પટોલે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહ સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત હતા.
તે સમયે રાહુલનાં આગમનને વધાવવા બોદરવી ગામના લોકોએ કેળનાં પાંદડાથી રચેલી કમાનો બનાવી હતી. આ ગામ કેળાને માટે પ્રખ્યાત છે.
રાહુલે તે સભામાં ભાજપનાં નેતૃત્વ નીચેની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તીવ્ર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે તેમની યાત્રાનો હેતુ દેશમાં ફેલાવવામાં આવતી નફરત, ડર અને તેમાંથી જન્મતી હિંસાનો સામનો કરવાનો છે. આ સાથે તેમણે બેકારી અને મોંઘવારીના મુદ્દાઓ ઉપર પણ સરકારને ઘેરી હતી. તેમણે ફરીથી કહ્યું, ભાજપ સૌથી પહેલાં યુવાનો, ખેડૂતો અને મજૂરોનાં હૃદયમાં ડર ફેલાવે છે, તે ડર બરોબર ફેલાઈ જાય પછી તેને હિંસામાં ફેરવી નાખે છે.
આ સાથે ભાજપ સામે પડકાર ફેંકતા કહ્યું અમે હાથમાં ત્રિરંગો લઈને કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’નો પ્રારંભ કર્યો, આ ત્રિરંગાને શ્રીનગર સુધી પહોંચાડવાથી કોઈ રોકી શકશે નહીં. આ સાથે તેમણે દાવો કર્યો કે દેશનું ઉદ્યોગ જગત તથા વિમાન ગૃહો અને બંદરો માત્ર ત્રણ-ચાર ઉદ્યોગપતિઓનાં હાથમાં જ છે. હવે રેલવે પણ તેમના હાથમાં જવાની છે. આ અન્યાય સમગ્ર હિન્દુસ્તાનને થઈ રહ્યો છે, અમારે તેવું હિન્દુસ્તાન નથી જોતું. અમે તો ગરીબો માટે ન્યાય માંગીએ છીએ.
મોંઘુ પેટ્રોલ અને રાંધણ ગેસના ઉંચા ભાવના પૈસા સામાન્ય માનવીનાં ખિસ્સામાંથી પૈસા કાઢી અતિ ધનવાન તેવા ત્રણ-ચાર ઉદ્યોગપતિઓનાં જ ખિસ્સામાં જાય છે. તેમ પણ રાહુલે કહ્યું હતું. સભામાં ઉપસ્થિત પાંચ વર્ષના એક બાળક રૂદ્રને મંચ ઉપર બોલાવી કહ્યું, આને ડૉક્ટર બનવું છે, પરંતુ તે માટેની કરોડોની ફીના પૈસા તેના માતા-પિતા પાસે નહીં હોવાથી રૂદ્રનું તબીબ બનવાનું સ્વપ્ન અધૂરૃં રહી જશે.
ટૂંકમાં આવું તીખું – તમતમતું પ્રવચન કરી રાહુલ શ્રોતાગણ ઉપર છવાઈ રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.