ભારતથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન, અચાનક ધુમાડો નીકળવા લાગ્યો, આ એરપોર્ટનો મામલો
તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેકઓફ પહેલા અચાનક જ વિંગ એરિયામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મળતી માહિતી મુજબ આ ફ્લાઈટમાં કુલ 320 પેસેન્જર્સ સવાર થવાના હતા પરંતુ આ ઘટના બાદ તેમનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
કેવી રીતે થયો અકસ્માત?
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમીરાતની ફ્લાઈટ મંગળવારે રાત્રે 9.50 કલાકે દુબઈ માટે ઉપડવાની હતી. મળતી માહિતી મુજબ, આ ફ્લાઈટમાં 320 મુસાફરો બેસવા માટે રાહ જોઈ રહ્યા હતા. મુસાફરો ચઢે તે પહેલા વિમાનમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું. ત્યારે એન્જિનમાં ઓવરફિલિંગને કારણે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને સ્ટાફ ડરી ગયો.