વિદેશ ગયેલા સરકારી વકીલની સરકારની મંજૂરી વિનાહકાલપટ્ટીના નિર્ણયને હાઇકોર્ટે કાયમ રાખ્યો
રાજય સરકારની સત્તાવાર કે અધિકૃત મંજૂરી વિના વિદેશ જતાં રહેલા ભરૃચના મુખ્ય સરકારી વકીલની હકાલપટ્ટી કરવાના સરકારના નિર્ણયને પડકારતી સરકારી વકીલની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને તેમને સરકારી વકીલ તરીકેના હોદ્દા પરથી દૂર કરવાના સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો.
અરજદાર સરકારી વકીલ તરફથી રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, તેઓ છેલ્લા ૧૮-૨૦ વર્ષોથી મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સરકારી વકીલ તરીકેની તેમની કારકિર્દી કે કામગીરી દરમ્યાન કયારેય તેમની વિરૃધ્ધ કોઇ ફરિયાદ કે આક્ષેપ નથી. તેઓ તેમની પુત્રી વિદેશ રહેતી હોવાથી તેને મળવા ગયા હતા અને સમયસર પાછા પણ આવી ગયા હતા. જો કે, રાજય સરકારે સરકારી વકીલની અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે, અરજદાર સરકારની કોઇપણ પૂર્વ મંજૂરી લીધા વિના કે અધિકૃત જાણ કર્યા વિના બારોબાર વિદેશ જતા રહ્યા હતા. લો ઓફિસર્સ રૃલ્સ મુજબ, મુખ્ય સરકારી વકીલે આ પ્રકારે વિદેશ જતાં પહલાં સરકારમાં જાણ કરી કે સત્તાવાર મંજૂરી લેવી ફરજિયાત છે. વળી, અરજદારના ૨૦૧૩માં ૬૦ વર્ષ પણ પૂરા થઇ ગયા છે અને તેથી સરકારી નિયમ મુજબ પણ તેમને હોદ્દા પર ચાલુ રાખવાનો કોઇ હક્ક કે અધિકાર નથી. આમ, નિયમભંગ કર્યો હોવાથી તેમ જ તેમની વયમર્યાદા પણ પૂર્ણ થતી હોવાથી તેમને સરકારી વકીલ તરીકેના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સરકારપક્ષની આ દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.