બાગેશ્વર ધામમાં અરજી કરવા આવેલા શખ્સનો મૃતદેહ મળી આવ્યો
મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાંથી વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા એક શખ્સનો મૃતદેહ બાયપાસ રોડ પરથી મળી આવ્યો છે. છેલ્લા એક મહિનામાં બાગેશ્વર ધામમાંથી કુલ 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આધેડનો મૃતદેહ મંગળવારે મોડી રાત્રે મળી આવ્યો તે બાગેશ્વર ધામમાં પૂજા અને દર્શન કરવાની સાથે સાથે બાગેશ્વર ધામ સરકારના દરબારમાં અરજી કરવા માટે આવ્યો હતો. એક મહિનામાં 4 મૃતદેહ મળતા પોલીસ પણ એક્શનમાં છે. આ સાથે જ આ ઘટનાઓ બાદ બાગેશ્વર ધામમાં આવતા શ્રદ્ધાળુઓની ચિંતામાં વધારો થાય તે પણ સ્વાભાવિક છે.
બાગેશ્વર ધામમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જે ત્યાં પૂજા કરવાના હેતુથી આવ્યો હતો. બાગેશ્વર ધામના બાયપાસ રોડ પરથી એક આધેડની લાશ મળી આવી છે. તાત્કાલિક આ માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી. મોડી રાત્રે મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક બમિથા પોલીસ સ્ટેશનની પોલીસે મૃતદેહનો કબજો લઈને તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિની લાશ મળી આવી છે તે મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 1 મહિનામાં બાગેશ્વર ધામમાંથી ચોથો મૃતદેહ મળી આવ્યો છે.
આ અગાઉ 17 જૂનના રોજ ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. મૃતદેહ પર કોઈ કપડા નહોતા. તે સમયે તેની ઓળખ પણ નહોતી થઈ શકી. આ અગાઉ 11 જૂન 2023ના રોજ પણ બાગેશ્વર ધામમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. દિલ્હીથી આવેલા એક વ્યક્તિની લાશ બાગેશ્વર ધામ પાસેના ગામમાંથી મળી આવી હતી. બાગેશ્વર ધામમાં સતત મૃતદેહો મળવાના કારણે પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે. હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, અંતે સતત લોકોના મૃતદેહ કેમ મળી રહ્યા છે.