સુરત: સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીકળ્યો સટ્ટાકિંગ, ક્રાઇમબ્રાન્ચે વેસુમાંથી કુલ 3 બુકીને પકડયા
સુરત ક્રાઇમબ્રાન્ચે વેસુમાંથી કુલ 3 બુકીને પકડયા છે. જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મુખ્ય આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર હતો જે આ રેકેટમાં અન્ય આરોપીઓ ચીનાંશુ ગોઠી તથા હીરલ દેસાઇને કમિશન ઉપર રાખતો હતો. જેમા ગ્રાહકોને તેઓ આઈ.ડી. – પાસવર્ડ બનાવીને Vmgs365.co નામની વેબસાઇટ પર ઇન્ટરનેશનલ ગેમમાં સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરી હતી.
સુરતના વેસુ વીઆઈપી રોડ એબ્રોનીયા બિઝનેસ હબ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પાનની દુકાનમાં વિવિધ રમતો ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા નાનપુરા માછીવાડના કુખ્યાત બુકી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર અને તેના બે સાગરીતોને ઝડપી પાડી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરને આઈડી આપનાર રાજકોટના બુકી અને ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર પાસેથી આઈડી પાસવર્ડ મેળવી ગ્રાહકોને આપી સટ્ટો રમાડતા અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના ચાર બુકી મળી કુલ પાંચને વોન્ટેડ જાહેર કરી તેમની પાસેથી રૂ.4.30 લાખની મત્તાના પાંચ મોબાઈલ ફોન કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.