પ્રવાસીઓનો : સુપ્રીમ કોર્ટનો આદેશ, પ્રવાસી મજૂરો પાસેથી બસો-ટ્રેનોનું ભાડું લેવામાં ન આવે.
પ્રવાસી મજૂરોના સ્થળાંતર અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, ટ્રેન અને બસોથી મુસાફરી કરતા પરપ્રાંતિય મજૂરો પાસેથી કોઈ ભાડું લેવામાં ન આવે. રાજ્ય સરકારોએ આ ખર્ચ સહન કરવો જોઇએ. કોર્ટે આદેશ આપ્યો કે રાજ્ય સરકારોએ ફસાયેલા મજૂરોના ભોજનની વ્યવસ્થા પણ કરવી જોઈએ. આ મુદ્દે હવે પછીની સુનાવણી ૫ જૂને થશે.
પ્રવાસી મજૂરોના મુદ્દે કોર્ટના ૪ આદેશ અને ૪ ટિપ્પણીઓ
ગુરુવારે જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રેન અને બસમાં મુસાફરી કરતા પ્રવાસી મજૂરો પાસેથી કોઈ ભાડું ન લેવું જોઈએ. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ આ ખર્ચ સહન કરવો જોઇએ.
- રાજ્ય સરકારોએ સ્ટેશનો પર જમવાનું અને પાણી આપવું જોઈએ અને રેલવેએ ટ્રેનોમાં મજૂરો માટે આ વ્યવસ્થા કરવી જોઈએ. તેમને બસોમાં પણ ખોરાક અને પાણી આપવું જોઈએ.
- રાજ્ય સરકારોએ દેશભરમાં ફસાયેલા મજૂરોને ભોજન પૂરું પાડવું જોઈએ જેઓ તેમના ઘરે જવા માટે બસ અને ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે. મજૂરોને ક્યાં ભોજન મળશે અને નોંધણી ક્યાં થશે. તેની માહિતી આપવી જોઈએ.
- રાજ્ય સરકારે પ્રવાસી મજૂરોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ અને ઘરની મુસાફરી માટે વહેલી તકે તેમને ટ્રેન અથવા બસ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ સંબંધિત તમામ માહિતી લોકોને આપવામાં આવવી જોઈએ.
કોર્ટે કહ્યું હતું કે ઘરે જવાનો પ્રયાસ કરી રહેલા પરપ્રાંતિય મજૂરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે રાજ્ય સરકારો તેમના માટે પગલાં લઈ રહી છે. જોકે રજીસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશન અને ખાવા-પીવાની બાબતમાં કેટલીક ખામીઓ જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો સાથે સંકલન કરીને પરપ્રાંતિય મજૂરોને સ્પેશિયલ ટ્રેનો અને બસો દ્વારા તેમના રાજ્યોમાં લઈ જવામાં આવે છે. ૧ મેથી ૨૭ મે દરમિયાન ૯૧ લાખ મજૂરોને ઘરે પહોંચાડવામાં આવ્યા. આ જવાબ પર અદાલતે ટિપ્પણી કરી – શું તેમને યાત્રા દરમિયાન ખોરાક આપવામાં આવ્યો હતો?