દિલ્હીમાં ચોંકાવનારી ઘટના; એક જ મહિનામાં શેલ્ટર હોમમાં 14 બાળકોના મોત
રાજધાની દિલ્હીમાં માનસિક વિકલાંગ લોકો માટે બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 20 દિવસમાં અહીં 14 બાળકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મૃત્યુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને કુપોષણના કારણે થયા છે. જે દર્શાવે છે કે આ બાળકોને અપેક્ષિત સુવિધાઓ મળી રહી નથી. તમને જણાવી દઈએ કે આ મામલો દિલ્હીના રોહિણીમાં સ્થિત ‘આશા કિરણ હોમ’ (માનસિક વિકલાંગો માટે)નો છે. જ્યાં છેલ્લા એક મહિનામાં 14 બાળકોના મોત થયા છે.
ઘટનાની જાણકારી મળતા જ દિલ્હી સરકાર એક્શનમાં આવી ગઈ હતી. દિલ્હીના મંત્રી આતિશીએ આશા કિરણ શેલ્ટર હોમમાં 14 છોકરીઓના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગને આગામી 48 કલાકમાં તપાસ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો બાળકોના મોતની માહિતી સાચી સાબિત થશે તો ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.