ઉદ્ધવ ઠાકરેની સુરક્ષા ઘટાડવાના આરોપ પર શિંદે સરકારનો પલટવાર
મહારાષ્ટ્ર સરકારે ઉદ્ધવ ઠાકરેની સુરક્ષા ઘટાડવાના આરોપો પર સંજય રાઉતના નિવેદન પર હવે એકનાથ શિંદેની સરકારે પલટવાર કર્યો છે. શિંદે સરકારે ઉદ્ધવ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કરવાના આરોપ પર કહ્યું કે, જૂઠુ તો ના બોલો.
મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારની સુરક્ષામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તેમની સુરક્ષા અગાઉ પણ Z કેટેગરીની હતી અને હજુ પણ Z કેટેગરીની જ છે. ગૃહ વિભાગે કહ્યું કે, તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત વધારાની ટુકડીને જ પોલીસ લાઈનમાં પરત બોલાવવામાં આવી છે.
ગૃહ વિભાગે કહ્યું કે, આદિત્ય ઠાકરેને રાજ્ય સરકાર દ્વારા Y કેટેગરીની સુરક્ષા મળી છે તેમની સુરક્ષામાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો.
ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાઓનો આરોપ છે કે, ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ ઠાકરે, તેમના પુત્રો તેજસ અને આદિત્ય ઠાકરેની સુરક્ષામાં લાગેલા એસ્કોર્ટ વ્હીકલને પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેમના ઘર પર માતોશ્રીની સુરક્ષામાં રોકાયેલા ગાર્ડ્સને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. શિવસેનાના નેતાઓએ આરોપ લગાવ્યો કે, હવે તેમના ઘરની સુરક્ષા માટે 12ને બદલે માત્ર 5 ગાર્ડ આપવામાં આવ્યા છે.
તેમનો આરોપ છે કે જે દિવસે ઈડીએ રાઉત અને આદિત્ય ઠાકરેના સહયોગીઓના ઘર પર દરોડા પાડ્યા હતા તે જ દિવસે ઠાકરે પરિવારની સુરક્ષા પણ ઘટાડી દેવામાં આવી હતી.
ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તેઓ અમને ગોળી મારી શકે છે અથવા જેલમાં મોકલી શકે છે. રાઉતે વધુમાં કહ્યું કે, આ દિવસોમાં બધું જ રાજનીતિથી પ્રેરિત છે પછી તે EDના દરોડા હોય કે પછી અમારા નેતાની સુરક્ષા ઘટાડવાનો પ્રશ્ન હોય. પરંતુ એક દિવસે તેમના કર્મો તેમની પાસે તેમનો હિસાબ માંગવા આવશે.
Tags india Mumbai New Delhi rakhewalnews