મણિપુર હિંસા મામલે કોંગ્રેસના ગંભીર આરોપો, પાર્ટીએ હિંમત બિસ્વા સરમાની ધરપકડની કરી માંગ
જાતિગત હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં સશસ્ત્ર દળોની તૈનાતી હોવા છતાં સ્થિતિ તંણાવપૂર્ણ છે. આ દરમિયાન આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેમના પર કુકી ઉગ્રવાદી જૂથ સાથે જોડાણના આરોપોને ફગાવી દીધા હતા. કોંગ્રેસ પર રાજકીય પ્રહાર કરતા તેમણે કહ્યું કે, પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.
હિમંત બિસ્વા સરમાનું આ નિવેદન આસામ પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ મીરા બોરઠાકુર ગોસ્વામીના આરોપો પર આવ્યુ છે. ગોસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, કૂકી ઉગ્રવાદીઓના એક સમૂહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, 2017ની મણિપુર વિધાનસભા ચૂંટણીમાં તેમણે બીજેપીની મદદ કરી હતી.
આસામના સીએમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મણિપુરના કેટલાક નેતાઓ સાથે સંબંધોના કેટલાક પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. મીરા બોરઠાકુર ગોસ્વામીએ રાજ્યના ડીજીપીને આ આરોપ સાથે સંબંધિત એક મેમોરેન્ડમ આપ્યું છે જેમાં માંગ કરવામાં આવી છે કે આ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
યુનાઈટેડ કુકી લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ એસએસ હોકીપે 2019માં અમિત શાહને એક પત્ર લખીને દાવો કર્યો હતો કે, હિમંતા બિસ્વા સરમા અને રામમાધવે 2017ની મણિપુર ચૂંટણીમાં કેટલાક કૂકી સમૂહોની મદદ લીધી હતી. તે સમયે માત્ર સરમા અને માધવ જ ઉત્તર-પૂર્વના રાજ્યોનું કામ જોતા હતા.
અમિત શાહને લખેલા આ પત્રમાં હાઓકિપે તેમની સામે ચાલી રહેલા હથિયારોની ખરીદીના કેસમાંથી તેમનું નામ હટાવવાની માંગ કરી હતી. બળવાખોર નેતાએ આ માટે ભૂતકાળમાં આપેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. UKLF એ એક સશસ્ત્ર સંસ્થા છે જેની સાથે સસ્પેન્શન ઓફ ઓપરેશન એગ્રીમેન્ટ થયો છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ કરાર કુકી, જોમી અને હમર સમુદાય સાથે 2008માં કરવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી. તેમણે કહ્યું કે ,સોશિયલ મીડિયા પર જે અપીલ ચલાવવામાં આવી રહી છે તે એક જૂથના અધ્યક્ષ દ્વારા લખાયેલો પત્ર છે જે 2018ના હથિયાર ખરીદી કેસ સાથે સંબંધિત છે. તેણે પોતાને બચાવવા માટે આ અપીલ કરી છે. તેને કોઈની સાથે જોડવું પાયાવિહોણું છે.
આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરાહે માંગ કરી હતી કે હિમંતા બિસ્વા સરમાની કુકી આતંકવાદીઓની મદદ લેવા બદલ NSA હેઠળ કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવે. એક અહેવાલ પ્રમાણે સરમા 11 જૂને મણિપુરની મુલાકાત દરમિયાન કુકી સમુદાયના કેટલાક ઉગ્રવાદી સંગઠનોના પ્રતિનિધિઓને સાથે મુલાકાત કરી હતી.