રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરવાની કરી અપીલ
મોસ્કોમાં વર્લ્ડ રશિયન પીપલ્સ કાઉન્સિલને સંબોધિત કરતી વખતે પુતિને કહ્યું કે રશિયામાં 1990થી જન્મ દર ઘટી રહ્યો છે. તેથી તેમણે પોતાનાં દેશની મહિલાઓને ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરવાની અપીલ કરી છે.
રશિયા ગયા વર્ષે ફેબ્રુઆરીથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ સૈનિકોના મોત થયા છે. રશિયા એક મોટો દેશ છે, પરંતુ વસ્તીની ગીચતા ઓછી છે. રશિયા આને લઈને ચિંતિત છે. પુતિને કહ્યું કે આપણે આગામી કેટલાક દાયકાઓ સુધી વસ્તી વધારવાનું લક્ષ્ય રાખવાનું છે. તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા સમુદાયો છે જે હજુ પણ મોટા પરિવારોમાં વિશ્વાસ કરે છે. તેમને 4, 5 કે તેથી વધુ બાળકો છે. આપણે યાદ રાખવું જોઈએ કે અમારી દાદી, પરદાદી, અને પરનાનીને 7, 8 અથવા તેથી વધુ બાળકો હતા. પુતિને કહ્યું કે આપણે મોટા પરિવારોની પરંપરાને જીવંત રાખવાની છે. આને સામાન્ય નિયમ બનાવવો પડશે. મોટા પરિવારો રાખવા એ આપણી જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ. તેમણે કહ્યું કે પરિવાર માત્ર રાજ્ય અને સમાજનો આધાર નથી પરંતુ તે ધાર્મિક દૃષ્ટિકોણથી પણ યોગ્ય છે.