કારના બોનેટમાં છુપાવીને લઈ જતાં હતા રૂપિયા 2 કરોડ, કારના એન્જિનમાં આગ લાગી તો રસ્તા પર ઉડવા લાગી 500ની નોટો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના સવની-નાગપુર હાઇવે પર અજબ નજારો જોવા મળ્યો હતો. સિવની જિલ્લાના બનહાની ગામના લોકોએ જોયું કે 500 રૂપિયાની અડધી સળગી ગયેલી નોટો કારમાંથી ઉડીને નીકળી રહી હતી. બાદમાં આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કારના એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, કારમાં સવાર લોકોએ બોનેટ ખોલ્યું અને એન્જિન ચેક કર્યું. તે જ સમયે અડધી સળગેલી નોટો રસ્તા પર ઉડવા​​​​ લાગી હતી. સિવની ડિસ્ટ્રિક્ટ પોલીસે આ કેસમાં ઉત્તર પ્રદેશમાં રહેતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.74 કરોડ રૂપિયાની સલામત રહેલી નોટો જપ્ત કરવામાં આવી છે. આ આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ બોનેટમાં આશરે બે કરોડ રૂપિયા લઇને જઈ રહ્યા હતા.

કુરાઈ પોલીસ મથકના એસએચઓ મનોજ ગુપ્તાએ આખી ઘટના બાબતે જણાવ્યુ હતું. ગુપ્તાના જણાવ્યા અનુસાર, “કારમાં સવાર લોકો બોનેટમાં છુપાવિને ચલણી નોટો લઇ જતા હતા જેથી રસ્તામાં ક્યાંક તપાસ કરવામાં આવે તો પણ પોલીસની નજરમાં નોટો ન આવે. પરંતુ એન્જિનમાં આગ લાગી. જ્યારે કારને રોકીને બોનેટ ખોલ્યું તો અડધી સળગેલી ચલણી નોટ તીવ્ર પવનને કારણે રસ્તા પર ઉડવા લાગી હતી. આ જોઈને સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.”

પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ કારમાં સવાર લોકો ત્યાંથી નાસી છુટયા હતા. પરંતુ ટૂંક સમયમાં જ તેને હાઇવે પોલીસે તેમને ઝડપી લીધા હતા. સ્થાનિક લોકોમાંથી કોઈએ કારનો નંબરની નોંધ કરી લીધી હતી.​​​​​​​ પોલીસે કારના નંબર પરથી તપાસ કરતાં તે કારનો રજિસ્ટ્રેશન નંબર મુંબઇનો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ઓળખ કરી છે, જે તમામ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમાંથી બે જૌનપુરના છે – સુનીલ અને ન્યાસ. ત્રીજા આરોપીની ઓળખ આઝમગઢના હરિઓમ તરીકે થઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓ દ્વારા ઉલ્લેખિત સરનામાંઓને લઈને તપાસ કરી રહી છે.

આરોપીના કહેવા મુજબ તે સોનાના દાગીના ખરીદવા માટે વારાણસીથી મુંબઇ આવી આટલી મોટી રકમ લઈ જઈ રહ્યા હતા. તેમાનો પ્લાન આ માર્ગ પરથી જ કાર દ્વારા પરત ફરવાનો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ દાવો કર્યો હતો કે ટેક્સ બચાવવા માટે આવું કરવામાં આવી રહ્યું હતુ અને તમામ રૂપિયા વારાણસીના જ્વેલર્સના છે. વારાણસીમાં જ્વેલર્સના સરનામું અને મુંબઇમાં આ રૂપિયા ક્યાં લઈ જવાના હતા, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓનો કોઈ સંબંધ હવાલા નેટવર્ક સાથે તો નથી. પોલીસે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને પણ આ ઘટના બાબતે જાણ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.