રામ મંદિરની છતનું કામ પૂર્ણ, ફ્લોરવર્કમાં વપરાશે 95,300 વર્ગફૂટ માર્બલ
રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરની છતનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે રામ મંદિરના ફ્લોર બનાવવાની તૈયારીઓ ઝડપથી શરૂ થઈ ગઈ છે. આ માટે ફ્લોર મેપિંગ કરવામાં આવી રહ્યું છે. રામ મંદિરના ફર્શને મકરાણા માર્બલથી સજાવવામાં આવશે. ફ્લોરિંગમાં કુલ 95,300 ચોરસ ફૂટ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લોરમાં ઉપયોગમાં લેવાતા માર્બલની જાડાઈ 35 મીમી હશે. ફ્લોરમાં વિવિધ સાઈઝના માર્બલનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે એન્જિનિયરો મેપિંગમાં વ્યસ્ત છે. માર્બલની સુંદરતા વધારવા માટે તેના પર ઇન-લે વર્ક કરવામાં આવી રહ્યું છે. ઇન-લે વર્કમાં માર્બલનું ખોદકામ કરીને તેમાં કલર સ્ટોન લગાવવામાં આવે છે. ફૂલો, પાંદડા અને રંગબેરંગી ચિત્રો સફેદ આરસપહાણ પર રંગીન પથ્થર સાથે કોતરવામાં આવી છે. ફ્લોર પર લગાવ્યા બાદ તે કોઇપણ બિલ્ડીંગની સુંદરતા વધારી દે છે.
રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું કે મંદિરના ફ્લોર માટે લગભગ 95,300 ચોરસ ફૂટ માર્બલ સપ્લાય કરવામાં આવ્યો છે. તેમણે ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું અને હવે ફ્લોરનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ સાથે જ પ્રથમ માળના ગુંબજ વગેરેના નિર્માણની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.