ભારત માટે લાલબત્તી, કટ્ટરવાદી મુનીર પાકિસ્તાનના સેનાના વડા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાની લશ્કરના વડા જનરલ કમર બાજવા નિવૃત્ત થતાં નવા આર્મી ચીફ તરીકે કટ્ટરવાદી લશ્કરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરની પસંદગી થઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વિરોધી હોવાથી પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફે મુનીર પર પસંદગી ઉતારી છે. ભારતના પુલવામામાં જવાનો પર આતંકી હુમલો થયો ત્યારે મુનીર આઈએસઆઈનો વડો હતો અને તેની દોરવણીથી જ આતંકીઓએ હુમલો કર્યો હતો.
પાકિસ્તાનની આર્મી ચીફ જનરલ કમર બાજવા ૨૦૧૬થી હોદ્દો સંભાળે છે. ઈમરાન ખાનની સરકારે ૨૦૧૯માં કમર બાજવાને બીજી ટર્મ આપી હતી. સતત બે ટર્મ સુધી આર્મી વડા રહેલા કમર બાજવા ૨૯મી નવેમ્બરે નિવૃત્ત થશે. કમર બાજવાના સ્થાને નવા આર્મી વડા તરીકે કટ્ટરવાદી આર્મી અધિકારી અસીમ મુનીર પર વડાપ્રધાન શાહબાઝ શરીફે પસંદગી ઉતારી છે. ઈમરાન ખાનના કટ્ટર વિરોધી તરીકે પણ મુનીર પાકિસ્તાનમાં ઓળખાય છે. એરસ્ટ્રાઈક પછી ઈમરાન ખાન સાથે મતભેદો થતાં તેની આઈએસઆઈના પ્રમુખપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ઈમરાન સાથેનું ઘર્ષણ વધતા તેણે જ ઈમરાનની પત્ની બુશરા બીબીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાવ્યો હતો. ઈમરાનના વિરોધી હોવાથી વર્તમાન પીએમ શાહબાઝ શરીફે તેને સૈનાનું સર્વોચ્ચ પદનું ઈનામ આપ્યું છે. તે ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના પદે નિમણૂક અપાઈ છે. બંનેને જનરલપદે પ્રમોશન અપાયું છે.
અસીમ મુનીર પાકિસ્તાનનો પ્રથમ મુલ્લા જનરલ પણ કહેવાય છે. મુલ્લા જનરલ શબ્દ તેના ઈસ્લામના ધાર્મિક પાઠના કારણે કરવામાં આવે છે. ધાર્મિક વડા જેટલો ધાર્મિક બાબતોનો અભ્યાસ કરનારો આ પાકિસ્તાની લશ્કરનો પહેલો વડો બનશે. કુરાન અને શરિયત કંઠસ્થ કરવાના કારણે તેને પાકિસ્તાની મીડિયા હાફિઝ-એ-કુરાન અને મુલ્લા નજરલ કહીને નવાજે છે.
ભારતમાં ૨૦૧૯માં પુલવામામાં હુમલો થયો હતો. ભારતના ૪૦ જવાનો શહીદ થયા હતા. એ હુમલો પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈની દોરવણીથી થયો હતો. એ વખતે મુનીર આઈએસઆઈનો વડો હતો. એ ખૂબ જ કટ્ટરવાદી વિચારધારા ધરાવતો હોવાથી ભારતને સાવધાન રહેવાની સલાહ આર્મી એક્સપર્ટ્સ આપી રહ્યા છે. આઈએસઆઈ ઉપરાંત બીજી મહત્ત્વની અને શક્તિશાળી સરકારી એજન્સી મિલિટરી ઈન્ટેલિજન્સ (એમઆઈ)નો વડો પણ આસીમ મુનીર રહી ચૂક્યો છે. મુનીરને આર્મી ચીફ બનાવાતા પાક. લશ્કર વધારે આક્રમક અને કટ્ટર બને એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
આસીમ મુનીર પાકિસ્તાની આર્મીના એ ઉચ્ચ અધિકારીઓમાં સામેલ છે, જે ભારતની બાબતમાં કટ્ટર માનસિકતા ધરાવે છે. શાહબાઝ શરીફે મુનીર પર પસંદગી ઉતારી એ માટે મુનીરની કાશ્મીર પ્રત્યેનું વલણ પણ જવાબદાર છે. મુનીરે અગાઉ જ્યારે જ્યારે તક મળી છે ત્યારે કાશ્મીરમાં હિલચાલ વધારવાની પેરવી કરી છે. પુલવામામાં હુમલો થયો ત્યારે આઈએસઆઈના વડા તરીકે તેની ભૂમિકા હતી. ભારતે એરસ્ટ્રાઈક કરી એ પછી પણ તેણે ભારત સામે યુદ્ધમાં ઉતરવાની તરફેણ કરી હતી. એ જ અરસામાં સંભવતઃ ભારત સાથે યુદ્ધમાં ન ઉતરવાની ઈમરાનની નીતિના કારણે મુનીરને મતભેદો થયા હતા અને ઈમરાને તેની આઈએસઆઈના ડિરેક્ટરપદેથી હકાલપટ્ટી કરી હતી. લાંબી લશ્કરી કારકિર્દી દરમિયાન એણે ભારત-પાકિસ્તાનની સરહદે વ્યૂહાત્મક ભૂમિકા ભજવી હોવાથી શાહબાઝે બે સિનિયર અધિકારીઓની અવગણના કરીને તેના પર પસંદગી ઉતારી હોવાથી ભારત-પાકિસ્તાનની સરહદે ફરીથી ઘર્ષણ વધે એવી શક્યતા નકારી શકાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.