દેશમાં કોરોનાના નવા ૫૭ હજારથી વધુ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસને કાબુમાં રાખવા અનેક પ્રયાસો કરવા છતાંય સંક્રમણની ગતિ દિનપ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે. જેના પગલે હવે રોજબરોજ નવા ચેપગ્રસ્તોની સંખ્યા પણ ૫૦ હજારને પાર થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના સૌથી વધુ ૫૭ હજાર ૧૧૮ નવા દર્દીઓ નોંધાયા છે. જેના પગલે કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧૭ લાખના આંકને નિકટ પહોંચી ચૂકી છે. દેશમાં શનિવારે સવાર સુધીમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧૬ લાખ ૯૫ હજાર ૯૮૮ થઈ ચૂકી છે. આ દરમિયાન એક જ દિવસમાં ૭૬૪ લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ કુલ મૃત્યુ આંક ૩૬ હજાર ૫૧૧ પર પહોંચ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ ૯૪ હજાર ૩૭૪ લોકો આ વાયરસને મ્હાત કરીને સાજા થઈ ચૂક્યા છે. દેશમાં રિકવરી રેટમાં સામાન્ય વધારા સાથે વધીને ૬૪.૫૨ ટકા થયો છે. તો પોઝીટીવિટી રેટ ૧૦.૮૬ ટકા થઈ ચૂક્યો છે. જુલાઈ માસ દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધારો જોવા મળ્યો છે. ૧લી જુલાઈથી ૩૧મી જુલાઈ દરમિયાન કુલ ચેપગ્રસ્તોના ૬૪ ટકા કેસો સામેલ છે, તો ૫૪ ટકા મૃત્યુ પણ આ જ સમયગાળામાં થયા છે. જુલાઈ માસ દરમિયાન જ દેશમાં ૧૦ લાખ ૮૦ હજાર ૨૩૨ નવા દર્દીઓ સામે આવ્યા છે. જે કુલ દર્દીઓના ૬૩.૬૯ ટકા છે. તેની સાથે આ માસમાં ૧૯ હજાર ૬૧૮ લોકોએ ખતરનાક વાયરસના ચેપથી જીવ ગુમાવ્યો છે. દેશમાં હવે દિવસે દિવસે ટેસ્ટની સંખ્યામાં પણ ઝડપભેર વધારો કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ ૩૧મી જુલાઈએ દેશભરમાં ૫ લાખ ૨૫ હજાર ૬૮૯ સેમ્પલના ટેસ્ટ કરાયા હતા. તેની સાથે કુલ ૧ કરોડ ૯૩ લાખ ૫૮ હજાર ૬૫૯ લોકોના સેમ્પલ લેવામાં આવી ચૂક્યા છે. રાજધાની દિલ્હીમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવાની સાથે કોરોનાના કેસ પણ ૧ લાખ ૩૬ હજારને પાર થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧૮ નવા દર્દીઓ નોંધાયા છે. તેની સાથે કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧ લાખ ૩૬ હજાર ૭૧૬ થઈ છે. તેમાંય સૌથી રાહતની વાત એ છે કે રાજધાનીમાં રિકવરી રેટ પણ વધીને હવે ૮૯.૩૩ ટકા થઈ ગયો છે. દેશભરમાં મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશમાં મહામારીની સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. આ બંને રાજ્યોમાં એક જ દિવસમાં ૧૦ હજાર દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમાંય આંધ્રપ્રદેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૧૦ હજારથી વધુ ચેપગ્રસ્તો નોંધાતા કુલ સંખ્યા ૧.૪૦ લાખથી વધુની થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં અચાનક ૭.૨૨ ટકા કેસો વધી જતા આરોગ્ય વિભાગની હાલત કફોડી બની ચૂકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.