દિલ્હી-NCRમાં વરસાદ, પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કેવું રહેશે આજે હવામાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. આ ઉપરાંત પંજાબ-હરિયાણા અને ચંદીગઢમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થયો હતો પરંતુ ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ છે. ઉત્તર-પશ્ચિમ ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7-13 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. બિહારના ગયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. રવિવારે છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જીવન પ્રભાવિત થયું હતું જ્યારે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત વિવિધ રસ્તાઓને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા. હવામાનમાં થયેલા ધરખમ ફેરફારોને કારણે શ્રીનગર અને લેહના રનવે બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા અને વરસાદને પગલે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 જેટલા રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યના ઘણા વિસ્તારોમાં દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની અવરજવરને અસર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિમલામાં 161, લાહૌલ-સ્પીતિમાં 157, કુલ્લુમાં 71, ચંબામાં 69 અને મંડી જિલ્લામાં 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

દરમિયાન, ઉત્તરાખંડમાં રવિવારે ઉચ્ચ વિસ્તારોમાં તાજી હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ પછી તીવ્ર ઠંડી ચાલુ રહી હતી. રાજ્યના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઓલી, દેહરાદૂનના ચકરાતા અને ઉત્તરકાશી જિલ્લાના ચૌરાંગીખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા થઈ.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારના સમયે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તે જ સમયે, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં સવારે થોડા કલાકો માટે ધુમ્મસ જોવા મળશે. આગામી 24 કલાક દરમિયાન આ રાજ્યોમાં ધુમ્મસથી કોઈ રાહત નહીં મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.