આસામ, મણિપુરમાં વરસાદી આફત! ભારે વરસાદને કારણે 48 લોકોના મોત
પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે, મણિપુર અને આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે. બંને રાજ્યોમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પૂરને કારણે ઘરોને નુકસાન થયું હોવાથી હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે બુધવારે બે રાજ્યોમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુની કુલ સંખ્યા 48 પર પહોંચી ગઈ છે.
આસામ અને મણિપુર બંને રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે તમામ પૂર્વોત્તર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આર્મી, આસામ રાઇફલ્સ, રાજ્ય પોલીસ, મણિપુર ફાયર સર્વિસ, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકોએ પૂર પ્રભાવિત લોકોને બચાવવા તેમજ પેક્ડ પાણીની બોટલો અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા માટે બોટનો ઉપયોગ કર્યો હતો.
આસામમાં 46 લોકોના મોત
આસામમાં 46 અને મણિપુરમાં બે સહિત બંને રાજ્યોમાં પૂર સંબંધિત કુલ 48 મૃત્યુ થયા છે. બુધવારે આસામમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા હતા, જ્યારે મણિપુરમાં બે લોકો ડૂબી ગયા હતા. આસામમાં એકંદરે પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે કારણ કે પૂરના બીજા મોજાએ 29 જિલ્લાઓમાં 16.25 લાખથી વધુ લોકોને અસર કરી છે. દરમિયાન, મણિપુરમાં ભારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 2000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.