પોલીસ એલર્ટ: હનુમાન ચાલીસાના પાઠનું એલાન હિન્દુ મહાસભાનું આજે શાહી ઈદગાહમાં
આજે એટલે કે 6 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંકુલમાં મોટો હંગામો થવાની સંભાવના છે. કારણ કે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આજે હનુમાન ચાલીસાના પાઠનું એલાન કર્યું છે. આ જાહેરાત બાદ જ શ્રી કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈદગાહની આસપાસના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને પોલીસ દરેક ખૂણે-ખૂણે ચાંપતી નજર રાખી રહી છે. હિન્દુ મહાસભાના એલાનને ધ્યાનમાં રાખીને પોલીસે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ સંકુલની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. એટલું જ નહીં સિવિલ અને LIUમાં તૈનાત પોલીસકર્મીઓ દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.અખિલ ભારત હિન્દુ મહાસભાએ મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ સંકુલમાં 6 ડિસેમ્બરે લડ્ડુ ગોપાલના જલાભિષેક અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી માંગી હતી. અખિલ ભારત હિન્દુ મહાસભા આ સંકુલને પ્રાચીન શ્રી કૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ હોવાનો દાવો કરે છે. આ દરમિયાન મથુરા વહીવટીતંત્રે જિલ્લામાં કોઈપણ રાજકીય, સામાજિક અથવા ધાર્મિક સંગઠન દ્વારા પાંચ કે તેથી વધુ લોકોના જૂથમાં પરવાનગી વિના કોઈ પણ મેળાવડા, ધરણાં અને પ્રદર્શન વગેરે પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 28 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.પ્રાપ્ત માહિતી પ્રમાણે અયોધ્યામાં બાબરી ઢાંચાને ધ્વસ્ત કર્યાના 30 વર્ષ પૂર્ણ થવા પર અખિલ ભારતીય હિંદુ મહાસભાની ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠનું એલાન અને નગરપાલિકા ચૂંટણી સંબંધિત કેટલીક વિશેષ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને 1 ડિસેમ્બરથી પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જે 28 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
ચુસ્ત પોલીસ વ્યવસ્થા
અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ શુક્રવારે એક વીડિયો જાહેર કરીને માહિતી આપી હતી કે, તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના લોહીથી પત્ર લખીને 6 ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલ સ્થિત શાહી ઈદગાહ પર હનુમાન ચાલીસાના પાઠ કરવાની પરવાનગી માંગી છે. જો કે, હિન્દુ મહાસભાના એલાન બાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.