આવતી કાલે પીએમ મોદી જશે પોલેન્ડ, 45 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટે પોલેન્ડ જશે. 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે. આ પછી તે યુદ્ધગ્રસ્ત યુક્રેનની પણ મુલાકાત લેશે. 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે છે. પીએમ મોદીનું પોલેન્ડના વોર્સોમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.
મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લેશે
આ સિવાય પીએમ મોદી પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. પોલેન્ડ બાદ વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ કિવમાં રાજકીય, વેપાર, આર્થિક, રોકાણ, શિક્ષણ, સાંસ્કૃતિક, જનસંપર્ક, માનવતાવાદી સહાય અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. યુક્રેનમાં તેઓ વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયના અન્ય લોકોને પણ મળશે.
45 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત
વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે કહ્યું કે વડાપ્રધાન મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 45 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડ વચ્ચે 1940ના દાયકા દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો અનોખો સંબંધ છે, જ્યારે પોલેન્ડની છ હજારથી વધુ મહિલાઓ અને બાળકોએ ભારતના બે રજવાડા – જામનગર અને કોલ્હાપુરમાં આશ્રય લીધો હતો. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. આ પહેલા વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.