PM મોદી આવતીકાલે જશે ઇટલી, મેલોની સાથે કરશે બેઠક, G7 સમિટમાં લેશે ભાગ
ત્રીજી વખત પીએમ પદ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તેમની પ્રથમ વિદેશ યાત્રા પર રવાના થશે. પીએમ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ઈટલી જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે, ‘ઈટાલિયન વડાપ્રધાનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે ઈટલીના અપુલિયા જશે.’
તેમણે કહ્યું, ‘આ સમિટ 14 જૂને અપુલિયામાં યોજાશે, જ્યાં ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાનની આ પ્રથમ વિદેશ યાત્રા હશે.
વિશ્વના નેતાઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે
વિનય મોહન ક્વાત્રાએ કહ્યું, ‘આનાથી તેમને ભારત અને ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર G7 સમિટમાં હાજર અન્ય વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરવાની તક પણ મળશે.’ G7 એ વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે.
આ ટોચના નેતાઓ સમિટમાં હાજરી આપશે
સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન, તેમના ફ્રેન્ચ સમકક્ષ એમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી પણ રશિયાના યુક્રેન પરના આક્રમણ અંગેના સત્રમાં ભાગ લેવાના છે.
સૂત્રોએ જણાવ્યું કે મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ સામેલ થવાની સંભાવના છે.
જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે
પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરવાના છે, જેમાં ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે મે મહિનામાં જાપાનના હિરોશિમામાં યોજાયેલી G7 સમિટમાં પણ હાજરી આપી હતી.