PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. તમને જણાવી દઈએ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી પોતાના ગૃહ રાજ્યની પ્રથમ મુલાકાત કરી રહ્યા છે. સોમવારે, PM ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અને અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી ફરકાવવાની સાથે PM મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે અને મેટ્રો ટ્રેનની સવારી કરશે. વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.