ઈજિપ્તના ગ્રાન્ડ મુફ્તી સાથે PM મોદીએ કરી મુલાકાત, લીડરશીપને લઈને કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તની મુલાકાતે છે. જ્યાં, પીએમ મોદીએ ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઇબ્રાહિમ આલમ સાથે મુલાકાત કરી હતી. તેમની તાજેતરની ભારત મુલાકાતનો ઉલ્લેખ કરતા, ગ્રાન્ડ મુફ્તીએ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બહુલવાદને પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા કામની પ્રશંસા કરી હતી.
પીએમ મોદી અને ગ્રાન્ડ મુફ્તી વચ્ચેની બેઠક દરમિયાન સામાજિક અને ધાર્મિક સૌહાર્દ અને ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાને જાહેરાત કરી હતી કે ભારત ઇજિપ્તના સામાજિક ન્યાય મંત્રાલય હેઠળ દાર-અલ-ઇફ્તામાં આઇટી સેન્ટર સ્થાપશે. ગ્રાન્ડ મુફ્તી સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે અમે ભારત અને ઇજિપ્તના સંબંધો પર ચર્ચા કરી.
ઇજિપ્તની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કૈરોમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. ભારતીય સમુદાયના સભ્યો સાથેની વાતચીતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ઇજિપ્ત સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન માટે સમુદાયની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન સહિત કુલ 300 થી વધુ NRI PM મોદી સાથેની મીટિંગમાં સામેલ થયા હતા.