PM મોદી કાશીમાં પ્રયાગરાજ-વારાણસી 6 લેન હાઈવેનું લોકાર્પણ કરશે .

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસી આવશે. વડાપ્રધાન તરીકે આ તેમની 23મી વખત મુલાકાત છે, જ્યારે બીજા કાર્યકાળમાં ત્રીજી વખત આવી રહ્યા છે. છેલ્લી વખત તેઓ 16 ફેબ્રુઆરીએ કાશી આવ્યા હતા. પીએમ મોદી પહેલી વખત દેવદિવાળી પર આવી રહ્યા છે, સાથે જ તેઓ પહેલી વખત ગંગા માર્ગથી કાશી વિશ્વનાથ મંદિર જશે. વિશ્વનાથ કોરિડોરનાં વિકાસકાર્યોની સમીક્ષા કરીને બાબા વિશ્વનાથ ધામ પહોંચશે અને ત્યાં પૂજા-અર્ચના કરશે.

કાર્તિક પૂર્ણિમા પર વડાપ્રધાન મોદી સોમવાર બપોરે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચશે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમનું સ્વાગત કરશે. અહીંથી વડાપ્રધાન ખજૂરી જશે. અહીં પ્રયાગરાજ-વારાણસી 6 લેન હાઈવેનું લોકાર્પણ કરવાની સાથે જ તેમની જનસભા થશે. ત્યાર પછી તેઓ હેલિકોપ્ટરથી ડોમરી જશે. એ પછી અહીંથી તેઓ રોડ માર્ગે ભગવાન અવધૂત રામ ઘાટ જશે અને અલનંદા ક્રૂઝ પર સવાર થઈને લલિતા ઘાટ પહોંચશે.

લલિતા ઘાટથી તેમનો કાફલો વિશ્વનાથ મંદિર આવશે. અહીં દર્શન-પૂજન કરીને કોરિડોરનાં વિકાસકાર્યોનું સ્થળીય નિરીક્ષણ કરશે. ક્રૂઝથી પાછા રાજઘાટ પહોંચશે અને દીપ પ્રગટાવીને દીપોત્સવની શરૂઆત કરશે. અહીં પાવન પથ વેબસાઈટનું લોકાર્પણ થશે. રાજઘાટથી જ વડાપ્રધાન મોદી ક્રૂઝથી રવિદાસ ઘાટ માટે રવાના થશે. ચેત સિંહ ઘાટ પર 10 મિનિટનો લેઝર શો જોશે.

રવિદાસ ઘાટ પહોંચીને કારથી ભગવાન બુદ્ધની તપોસ્થળી સારનાથ માટે રવાના થઈ જશે. અહીં તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ જો જોશે અને ત્યાર પછી બાબતપુર એરપોર્ટથી દિલ્હી પાછા ફરશે. પીએમ મોદી લગભગ સાત કલાક કાશીમાં રોકાશે.

દેવદિવાળી પર કાશીના તમામ 84 ઘાટ દીપથી રોશન થાય છે. દર વર્ષે લાખો લોકો આ અદભુત નજારાને જોવા માટે આવે છે, પણ કોરોનાના સંકટને કારણે આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત કરી દેવાઈ છે. દરેક વ્યક્તિ માટે માસ્ક જરૂરી છે. ગત વર્ષે અહીં 10 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, પણ આ વખતે દીપની સંખ્યામાં 5 લાખનો વધારો કરી દેવાયો છે. 20-25 ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે.

આ દરમિયાન 16 ઘાટ પર તેમની સાથે જોડાયેલી કથાની બાળ કલાકૃતિ બનાવવામાં આવી છે. જૈન ઘાટની સામે ભગવાન જૈનની આકૃતિ, તુલસી ઘાટ સામે વિશ્વપ્રસિદ્ધ નાગ નથૈયાના કાલિયા નાગની આકૃતિ અને લલિતા ઘાટની સામે માતા અન્નપૂર્ણા દેવીની આકૃતિ પણ બનાવવામાં આવી છે. દેવદિવાળી પર વડાપ્રધાન પોતે પણ દીપદાન કરશે. દશાશ્વમેઘ ઘાટ પર મહાઆરતી દરમિયાન 21 બટુક અને 42 કન્યા આરતીમાં જોડાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 1લી ડિસેમ્બર સુધી કાશીમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

એક માન્યતા છે કે દેવદિવાળીના દિવસે તમામ દેવતા બનારસના ઘાટ પર આવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્રિપુરાસુરના વધ પછી તમામ દેવી-દેવતાઓએ મળીને ઉજવણી કરી હતી. કાશીમાં દેવદિવાળીનો અદભુત સંયોગ ગણવામાં આવે છે. આ દિવસે દીપદાન કરવાથી પુણ્ય ફળદાયક અને વિશેષ મહત્ત્વવાળું બની જાય છે. માન્યતા છે કે ભગવાન ભોલેનાથે પોતે ધરતી પર આવીને ત્રણ લોકથી ન્યારી કાશીમાં દેવતાઓ સાથે ગંગા ઘાટ પર દિવાળી ઊજવી હતી. એટલા માટે આ દેવદિવાળીની ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.